June 28, 2024

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી, અમરેલી-જૂનાગઢમાં ભારે વરસાદ

અમદાવાદઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે છેલ્લા બે દિવસથી મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ભૂક્કા બોલાવી રહ્યા છે. ત્યારે અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.

અમરેલીના ધારી-ગીર પંથકમાં વરસાદ શરૂ થયો છે. ધારી શહેર સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખીચા, સરસિયા, જર, છતડીયા, મુંજાણીયામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધારી ગીરના જંગલોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

અમરેલીના વડિયા અને કુકાવાવમાં ધીમીધારે મેઘમહેર થઈ રહી છે. વીજળીના કડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે. મોટી કુંકાવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વડિયાના બાવર, બરવાળા, બાટવા દેવળી, મોરવાડા, ખાન ખીજડિયા, દેવળકી ગામમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 52 તાલુકામાં વરસાદ, ડેસરમાં જળબંબાકાર

જૂનાગઢમાં ધોધમાર વરસાદ
જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. વિસાવદર તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. વિસાવદર પંથકમાં સવારથી ધીમીધારે વરસાદ ચાલુ થયો છે. છેલ્લા ચાર કલાકમાં વિસાવદર તાલુકામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદી વાતાવરણથી સમગ્ર જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર થઈ ગયું છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ, માતરમાં ‘મેઘકહેર’

સુરેન્દ્રનગરનો વાંસલ ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. ચુડા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. ચુડા, ગોખરવાડા, ભગુપૂર સહિતના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યો છે.