December 26, 2024

છેલ્લા 22 કલાકમાં 98 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકામાં સાડા 6 ઇંચ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમાંથી 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યના જૂનાગઢમાં 5.5 ઈંચ, ગીર-સોમનાથના વેરાવળમાં 4 ઈંચ, ગીર-સોમનાથના તાલાલામાં અને જૂનાગઢના વંથલીમાં 3.5 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

અંબાલાલ પટેલની નવી આગાહી
રાજ્યમાં વાતાવરણને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે, ‘હાથતાળી આપતા અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. ચોમાસાની ગતિ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નબળી છે. પરંતુ જ્યાં બનાસકાંઠા બાજુ વરસાદ ઓછો છે ત્યાં આજથી 24 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે.’

આગળ જણાવતા તેમણે કહ્યુ છે કે, ‘આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો નર્મદા ડેમની સપાટી માં સારો વધારો થશે અને નર્મદા નદીમાં નવા નીરની આવક વધશે.’