January 22, 2025

હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાક આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ  ચૌહાણે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.’

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. વેલમાર્ક લો પ્રેશરની અસરને લીધે વરસાદ રહેશે. અમદાવાદમાં પણ ઘણી જગ્યાએ સામાન્ય છૂટોછવાયો વરસાદ રહેશે. આજે અમદાવાદમાં તાપમાન 33 ડિગ્રી રહેશે.’

24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 16 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં 3.1 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના જેતપુરમાં 2.4 ઈંચ વરસાદ, જામનગરના જોધપુરમાં 2.4 ઈંચ વરસાદ, અમરેલીના કુંકાવાવ વાડીયામાં 2.1 ઈંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 2 ઈંચ વરસાદ અને બનાસકાંઠાના અમીરગઢમાં પણ 2 ઈંચ વરસાદ નોંધાયો છે.