September 20, 2024

હવામાન વિભાગની આગાહી, અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ પર ગુજરાત

અમદાવાદઃ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને અમરેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ રેડ એલર્ટની આગાહી સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ છવાયો છે. ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા વરસાદી માહોલ યથાવત્ રહેશે. આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતાં 40 ટકા વરસાદ વધુ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67 ટકા વધુ વરસાદ નોંધાયો છે.