December 23, 2024

જવાહર ચાવડાના મનસુખ માંડવિયા પર પ્રહાર, કહ્યું – ચૂંટણી પહેલાં…

અમદાવાદઃ જૂનાગઢ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આવી ગયો છે અને આખરે જવાહર ચાવડાએ મૌન તોડ્યું છે. થોડા દિવસ પહેલાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘માણાવદરમાં જે પોતાના નામની પાછળ BJP લખાવે છે, એ BJPનું કામ કરે.’ તેને લઈને જવાહર ચાવડાએ વળતો પ્રહાર કર્યો છે અને રાજકારણ ગરમાયું છે.

જવાહર ચાવડાએ વીડિયો જાહેર કરીને મનસુખ માંડવિયા પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે વીડિયોમાં ભાજપનું સ્ટિકર ઉખાડીને પાછલ મશાલ લઈને ઉભેલા એક વ્યક્તિનું ચિત્ર બતાવતા તેમણે કહ્યુ છે કે, મનસુખભાઈ તમને કદાચ ખબર નહીં હોય પણ મારી ઓળખ આ હતી. માણાવદરના ખેડૂતોની મુશ્કેલીઓ હોય, ફર્ટિલાઇઝરની હોય, ધોવાણની હોય, પાકવીમાની હોય.. ખેડૂતોનો સૌથી મોટો પ્રશ્ન અમારા વિસ્તારમાં હતો. ડાર્કઝોનમાં હતો. ત્રણ વર્ષ સુધી લડીને ડાર્કઝોન ઉઠાવ્યું હતું.’


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘600 કરોડનું અભિયાન, સરકાર પાસેથી પાછા લેવાના. આ સિવાય જૂનાગઢના ગરીબો, વંચિતો માટે બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું. તેમાં પાંચ-છ જિલ્લામાં 21 તાલુકામાં અભિયાન ચલાવ્યું હતું. 75 હજાર ઉપરાંત ગરીબોનો બીપીએલનો લાભ અપાવ્યો હતો. આ મારું કામ હતું. આ મારી ઓળખ હતી. આના પર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ લગાવી દીધી. જો તમારામાં આટલી તાકાત, ત્રેવડ અને હિંમત હોત તો ચૂંટણી પહેલાં કે ચૂંટણી દરમિયાન તમારે બોલવાની જરૂર હતી.’