January 22, 2025

ગુજરાતનું પોલેન્ડ કનેક્શન, બીજા વિશ્વ યુદ્ધમાં જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ કરી હતી મોટી મદદ

અમદાવાદઃ વાત છે વર્ષ 1941ની. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલેન્ડનાં શરણાર્થીઓને સોવિયેત યુનિયન સંઘ છોડવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે પોલેન્ડથી લોકો અનેક દેશમાં આશ્રય મેળવવા માટે ગયા હતા. તેમને આશ્રય આપનારું ભારત પ્રથમ રાજ્ય હતું. ગુજરાતનું નવાનગર રજવાડું અને તેના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજાએ સેંકડો બાળકોને સાચવ્યા હતા અને તેમને આશ્રય આપ્યો હતો.

પોલિશ બાળકો મુંબઈથી બાલાચડી બીચ આવ્યાં
વર્ષ 1942ની શરૂઆતમાં 170 બાળકોનું પ્રથમ જૂથ અશ્ગાબાતથી બોમ્બે (હવે મુંબઈ) સુધી ટ્રકમાં 1500 કિમીની મુસાફરી કરી હતી. ત્યાંથી તેઓ નવાનગરથી 25 કિલોમીટર દૂર આવેલા બાલાચડી દરિયાકિનારે પહોંચ્યા હતા. સોવિયેત યુનિયનમાં આ તમામ લોકોએ નર્કનો અનુભવ કર્યો હતો અને નવાનગરની જમીન પર પગ મૂકતાં જ તેમને સ્વર્ગના મુકામ જેવો અનુભવ થયો હતો.

જામ સાહેબ દિગ્વિજયસિંહજી જાડેજા – ફાઇલ

હું તમારો પિતા છુંઃ જામ સાહેબ
નવાનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી પોતે આવકારવા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘તમે હવે અનાથ નથી. તમે હવે નવાનગરનાં છો અને હું બાપુ છું. બધા જ નવાનગરવાસીઓનો પિતા છું, હું તમારો પણ પિતા છું.’ જામ સાહેબે તેમના માટે રહેવા, જમવાથી માંડીને ભણવા સુધીની તમામ તૈયારીઓ કરી આપી હતી.

હજારો પોલિશ બાળકોને સાચવ્યાં હતાં – ફાઇલ

મહેલને ગેસ્ટ હાઇસ બનાવી દીધો
વર્ષ 1942 અને 1946ની વચ્ચે 600થી વધુ પોલિશ બાળકોને જામ સાહેબને કારણે ભારતમાં નવું ઘર મળ્યું હતું. જામ સાહેબે તેમને તમામ પ્રકારની વ્યવસ્થા કરી આપી હતી. જામ સાહેબે બાલાચડીમાં બનાવેલો મહેલ ગેસ્ટ હાઉસ તરીકે વાપરવા માટે આપ્યો હતો અને ત્યાં જ એક શાળા બનાવી દીધી હતી. ત્યાં પોલિશ બાળકો માટે ભણવાની વ્યવસ્થા કરી આપી હતી.

બાળકો માટે રહેવા-જમવા સહિત ભણવાની સુવિધા કરી આપી હતી. – ફાઇલ

બાળકો માટે પોલિશ ભાષાના પુસ્તકોની લાઇબ્રેરી બનાવી
તેટલું જ નહીં, પોલિશ બાળકો તેમની માતૃભાષા ન ભૂલી જાય તે માટે ખાસ પોલિશ ભાષાના પુસ્તકો સાથેની એક લાઇબ્રેરી પણ બનાવવામાં આવી હતી. ત્યાં વિવિધ પ્રકારના પોલિશ નાટકો પણ રજૂ કરવામાં આવતા હતા. આ બધા પ્રોગ્રામમાં જામ સાહેબ દિગ્વિજયસિંહજી ખાસ હાજરી આપતા હતા. આ બાળકોમાંથી એક વિસ્લવ સ્ટાયપુલા નામના બાળકે મોટા થઈને આ ઘટનાને વર્ણવતું ‘W gościnie u ‘polskiego’ maharadży’ પુસ્તક લખ્યું હતું. તેઓ તેમાં લખે છે કે, ‘તે સમયે બાળકો માટે ફૂટબોલ, વોલીબોલ, ગ્રાસ હોકી પણ રમ્યા હતા. યુદ્ધ પૂરું થયું અને અનાથોને યુરોપ પાછા ફરવું પડ્યું હતું. તે સમયે બાળકો અને જામ સાહેબનું હૃદય તૂટી ગયું હતું.’

પોલિશ બાળકો માટે વિવિધ પ્રકારની પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવતું હતું. – ફાઇલ

પોલેન્ડમાં જામ સાહેબના નામનો ચોક
જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ તેમની આ સેવા માટે ક્યારેય કોઈપણ પ્રકારની માગણી નથી કરી. તેમણે પોલેન્ડના જનરલ વાલ્ડિસ્લો સિકોર્સ્કી સાથેની વાતચીત દરમિયાન એક વાતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, ‘આઝાદ થયેલા પોલેન્ડમાં તેમના નામ પર એક શેરી રાખવામાં આવે’. દુર્ભાગ્યે તેમનું સ્વપ્ન તેમના જીવનકાળ દરમિયાન સાકાર થયું ન હતું.

જામ સાહેબની યાદમાં વારસોમાં મેમોરિયલ બનાવવામાં આવ્યું છે – ફાઇલ

સામ્યવાદી શાસન અનાથોની દુર્દશાને ઓળખી શકતું નહોતું. 1989ના રાજકીય વળાંક પછી જ જ્યારે પોલેન્ડ સંપૂર્ણ સ્વતંત્ર રાજ્ય બન્યું, ત્યારે વોરસોમાં એક સ્ક્વેરનું નામ જામ સાહેબ દિગ્વિજયસિંહજીના નામ પર રાખવામાં આવ્યું હતું. 2012થી શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર ઓચોટામાં આવેલા એક નાનકડા ઉદ્યાનને ‘સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા’ કહેવામાં આવે છે. પ્રજાપ્રિય અને દયાળુ જામ સાહેબને સમર્પિત એક સ્મારક પણ બાંધવામાં આવ્યું હતું અને તેમને મરણોત્તર પોલેન્ડ રિપબ્લિકના કમાન્ડરનો ‘ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ’ આપવામાં આવ્યો હતો.