December 17, 2024

ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર, રાજ્યમાં 90થી વધુ કોલેજ મંજૂરી વિનાની

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ ફાર્મસી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યાં છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ધીમી કામગીરીના પગલે કોલેજોની મંજૂરી હજુ સુધી નથી મળી. દેશભરમાં 4,000થી વધારે અને ગુજરાતમાં 90થી વધારે જેટલી કોલેજો એવી છે કે જે હજુ મંજૂરી વિનાની છે. જેથી વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કેવી રીતે કરે એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે.

ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે કોલેજનું ઇન્પેક્શન કરીને તેને માન્યતા આપવામાં આવતી હોય છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોના કહેવા પ્રમાણે ચાલુ વર્ષે ઇન્સ્પેક્શનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, છતાંય કોલેજોને મંજૂરી નથી આપવામાં આવી. થોડા સમય પહેલા દિલ્હીમાં ફાર્મસી કોલેજના સંચાલકો દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં દર વર્ષે ઇન્સ્પેક્શન અને પરવાનગી રિન્યુ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જે બાબતે હાઇકોર્ટે કોલેજ સંચાલકોની તરફમાં હુકમ કર્યો. જેને કાઉન્સીલે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને સ્ટે મૂકવામાં આવ્યો.

આ પણ વાંચોઃ વિશ્વનું એકમાત્ર ‘સિંહમંદિર’, બે સિંહના મોત બાદ સ્મૃતિમાં બનાવ્યું

સામાન્ય રીતે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ફાર્મસી કોલેજોમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છતાંય ફાર્મસી કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ નથી થયો. જેના કારણે વિદ્યાર્થીઓ આ લોકોને વાલીઓ ચિંતામાં મૂકાયાં છે. કોલેજોને મંજૂરી ન મળવાના કારણે શૈક્ષણિક કાર્યની શરૂઆત ક્યારે થશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે.

કાઉન્સિલમાં બંધારણ પ્રમાણે સરકારી કોલેજોને દર વર્ષે મંજૂરી રીન્યુઅલ કરાવવાની હોતી નથી. જેથી ત્રણ જેટલી સરકારી ફાર્મસી કોલેજ જેમાં ગાંધીનગર, સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે. ત્યાં પરવાનગી મળી ગઈ છે, પરંતુ હજુ અન્ય ફાર્મસી કોલેજોની પરવાનગી બાકી છે