ગુજરાત મુસ્લિમ સમાજે આતંકી હુમલાનો કર્યો વિરોધ, MLA ઇમરાન ખેડાવાલાએ કાળી પટ્ટી બાંધી નમાજ અદા કરી

અમદાવાદ: ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા પહલગામ આતંકી હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં જુમ્માની નમાજમાં કળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો. ત્યારે અમદાવાદમાં લાલ દરવાજા જૂની જુમ્મા મસ્જિદ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ સહિતના મુસ્લિમ આગેવાનોએ કાળી પટ્ટી બાંધી નમાજ અદા કરી હતી.

પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખે જણાવ્યું કે, પહલગામ આતંકી હુમલો કાયરતાપૂર્ણ હુમલો છે. ઇતિહાસમાં પહેલી વખત જમ્મુ-કાશ્મીરની જનતાએ આ કૃત્યને વખોડ્યું છે. મુસ્લિમ સમાજ આઝાદી સમયથી દેશ માટે ઉભો છે અને હંમેશા રહેશે. આ પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલો છે. પાકિસ્તાનના આ કૃત્યથી દેશના મુસ્લિમ સમાજ બદનામ થાય છે. આ આતંકવાદી કૃત્ય સામે સરકાર સખતમાં સખત પગલાં ભરે તેવી માગ કરી હતી.

વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતનો મુસ્લિમ સેક્યુલર છે અને જ્યારે પણ મુસ્લિમ સમાજ પર આપત્તિ આવી ત્યારે મોટાભાઈ તરીકે હિન્દુ સમાજ હંમેશા ઉભો રહ્યો છે. પાકિસ્તાનના કુકર્મોની સજા ભારતના મુસ્લિમ સમાજને ભોગવવી પડે છે. ત્યારે પાકિસ્તાની આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરવામાં આવે તે જરૂરી છે. અમે સરકારની સાથે છીએ.