December 23, 2024

એકધારા આક્રમણનું કારણ શું?

Prime 9 With Jigar:  ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોના વરસાદના આંકડા કે રીપોર્ટ વાંચીએ તો આપણે ગુજરાતના બદલે બીજા કોઈ વિસ્તાર વિશે તો નથી વાંચી રહ્યા ને એવું લાગે એવી હાલત છે. છેલ્લા બે-ચાર દિવસના રીપોર્ટ પર જ નજર નાંખશો તો વાત સમજાશે. સોમવારના જ સમાચાર છે કે, દ્વારકામાં આભ ફાટ્યું, માલેતા ગામમાં ત્રણ કલાકમાં જ 15 ઇંચ વરસાદ. ભારે વરસાદના કારણે સિંધડી નદીનું પાણી ગામમાં ઘૂસી ગયું છે. માલેતાનાં 100 ઘરમાં પાણી ઘૂસી જતાં હાલાકી સર્જાઇ છે અને લોકો બહાર પણ નિકળી શકતાં નથી. માલેતા ગામમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાયું છે.સોમવારના જ બીજા સમાચાર છે કે, ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું. બે કલાકમાં જ 11 ઈંચ વરસાદ વરસી ગયો. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદથી ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બીજા એક સમાચાર છે કે, કલ્યાણપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, બે કલાકમાં 11 ઇંચ વરસાદ. દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં ગામ આખું પાણી પાણી થઈ ગયું. લગભગ અડધું ગામ પાણીમાં હોય તેમ લાગી રહ્યું છે.જૂનાગઢના માણાવદરમાં બે કલાકમાં 6 ઇંચ અને માળિયા હાટીનામાં સાડા 5 ઈંચ વરસાદ નોંધતાં લોકોની હાલત બગડી ગઈ છે. એક દિવસ પહેલાં વલસાડ જિલ્લામાં બે કલાકમાં 8 ઇંચ વરસાદ પડી જતાં હાહાકાર મચી ગયો હતો. આ પહેલાં 19 જુલાઈએ પોરબંદરમાં વરસાદે હાહાકર મચાવ્યો હતો. પોરબંદર જિલ્લામાં 6 કલાકમાં 20 ઈંચ જેટલો ભારે વરસાદ થતાં જનજીવન વેરવિખેર થઈ ગયું હતું. 26 વર્ષ બાદ પોરબંદર શહેરમાં જળપ્રલય જોવા મળ્યો છે. પોરબંદરમાં તો આખી સીઝનનો વરસાદ જ બે દાડામાં પડી ગયો છે કેમ કે પોરબંદરમાં અત્યાર સુધી 35 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.પોરબંદરની સાથે સાથે બરડા પથકમાં પણ 4 કલાકમાં જ 10 થી 12 ઇંચ વરસાદ પડતાં વાડી-ખેતરો પાણીથી તરબોળ બની ગયાં છે. દ્વારકા તાલુકામાં 2 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા જળબંબાકાર અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ આ યાદીમાં ઘણા વિસ્તારો ઉમેરાશે કેમ કે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે આ વિસ્તારોમાં અતિથી અતિ ભારે વરસાદની શક્યતા છે. 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે અહીં અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની શક્યતા છે.છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાતમાં એવી સ્થિતી વારંવાર જોવા મળે છે કે, પડે ત્યારે ધોધમાર વરસાદ પડી જાય ને બે-ચાર કલાકમાં તો બધું જળબંબાકાર કરી નાંખે. એ પછી દિવસો લગી વરસાદ પડે જ નહીં અને ચોમાસા જેવું લાગે જ નહીં.

ચોમાસાની પેટર્ન બદલાઈ

  • જે વિસ્તાર પાણી માટે તરસતા હતા ત્યાં હવે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ
  • ગુજરાતના દક્ષિણ વિસ્તારોમાં પહેલેથી ભારે વરસાદ પડતો
  • છેલ્લા એક દાયકા દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદી સિસ્ટમ સક્રીય
  • વરસાદની તીવ્રતામાં ખૂબ મોટો ફેરફાર
  • દાયકા પૂર્વે ધીમી ધારે વરસાદ વરસતો
  • એક અઠવાડિયા દરમિયાન આઠથી દસ ઇંચ વરસાદ નોંધાતો
  • છેલ્લાં વર્ષોમાં એક જ દિવસમાં 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ
  • સતત તોફાની વરસાદના કારણે સ્થિતિ કફોડી
  • પહેલાં ચોમાસાની સીઝનમાં એક-બે એવી ઘટનાઓ નોંધાતી હતી.
  • હવે દર સીઝનમાં આવી વીસેક ઘટના તો બને જ છે.

કયા કારણો જવાબદાર?

  • ભારતમાં વરસાદ માટે જવાબદાર નૈઋત્યના ચોમાસાની પેટર્નમાં મોટા ફેરફાર
  • 1950 પછી દક્ષિણ એશિયાના ચોમાસામાં થતા ક્રમિક ફેરફાર
  • ભારતમાં 75 ટકા જિલ્લામાં વરસોથી ચોમાસાની એક જ પેટર્ન હતી
  • 75 ટકા જિલ્લામાંથી 40 ટકા જિલ્લામાં ચોમાસાની પેટર્ન બદલાઈ
  • ભારતમાં 463 જિલ્લા ચોમાસુ અનિયમિત બન્યું
  • ચોમાસામાં એક સમયગાળો અત્યંત શુષ્ક હોય
  • અત્યંત શુષ્ક સમયગાળા પછી અચાનક ભારે વરસાદ
  • પેટર્નમાં ફેરફાર માટે વધતું ઔદ્યોગિકીકરણ જવાબદાર
  • ક્લાઈમેટ ચેન્જની સૌથી મોટી અસર
  • સમુદ્રમાં પાછલા 5 વર્ષથી સાયકલોનિક સિસ્ટમ સતત વધી
  • સાયક્લોનિક સિસ્ટમની અસર સૌથી વધુ ચોમાસામાં
  • એક સાથે 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં 10 થી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ
  • આબોહવાના પરિવર્તનને કારણે તાપમાનમાં થયેલો વધારો કારણભૂત
  • વૈશ્વિક સ્તરે થઈ રહેલા ઔદ્યોગિકીકરણની અસર
  • પૃથ્વીના તાપમાનની સાથે સમુદ્રનું તાપમાન વધ્યું
  • બરફ આચ્છાદીત વિશ્વના તમામ પ્રદેશોમાં હિમખંડો ઓગળી રહ્યા છે
  • ચોમાસા દરમિયાન વરસાદની તીવ્રતા અને વરસાદનું પ્રમાણ વધુ

બદલાયેલી પેટર્નના કારણે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતો હોય ને બીજે લોકો ઉકળાટ અનુભવીને ગરમીમાં બફાતાં હોય એવું બનવાનું પ્રમાણ પણ વધ્યું છે. અત્યારે એ સ્થિતી છે જ. આ વરસે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જુલાઈમાં ધમધોકાર વરસાદ પડી ગયો.સૌરાષ્ટ્રમાં પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં તો રેકર્ડ તોડી નાખ્યા.દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ પંથકમાં શ્રીકાર વર્ષા થઈ ગઈ જ્યારે ઉત્તર ગુજરાત આખું કોરૂધાકોર છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી તેના કારણે ચોમાસુ હોય એવું લાગતું જ નથી. આ પેટર્ન છેલ્લાં ઘણાં વરસોથી જોવા મળે છે કે, જુલાઈમાં જોરદાર વરસાદ થાય ને પછી ઓગસ્ટમાં નજીવો વરસાદ પડીને રહી જાય.

છેલ્લા ત્રણ વર્ષનું સરવૈયું

  • સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ
  • શરૂઆતના મહિનાઓમાં ઓછો વરસાદ પડતો તેના બદલે વધારે વરસાદ
  • જૂન-જુલાઈમાં વરસાદ સરેરાશ કરતાં વધારે
  • ખરેખર વરસાદની જરૂર હોય ત્યારે તેની ખેંચ વર્તાય

જિલ્લા પ્રમાણે વરસાદની પેટર્ન બદલાઈ…ડાંગ, નવસારી, સુરત, વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં વધુ વરસાદ પડે છે કેમ કે આ વિસ્તારમાં જંગલો વધારે છે. બીજી તરફ જુનાગઢને બાદ કરતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. આ વિસ્તારોમાં સરેરાશ વાર્ષિક 450થી 750 મિમી એટલે કે મહત્તમ 30 ઇંચ વરસાદ પડે છે.આ વિસ્તારોમાં પણ હવે 30 ઇંચથી વધારે વરસાદ પડે છે પણ આ વરસાદ અનિયમિત હોય છે.

ખંડવૃષ્ટિ ચોમાસાની અસર

  • વરસાદની વહેંચણી પણ સપ્રમાણ હોતી નથી
  • કોઈ વિસ્તારમાં બહુ પડી જાય તો કોઈ વિસ્તારમાં બિલકુલ પડે જ નહીં
  • જૂના જમાનામાં ખંડવૃષ્ટિ ચોમાસુ એવો શબ્દ વપરાતો
  • છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાતમાં ખંડવૃષ્ટિ પ્રકારનું ચોમાસુ
  • શહેરના એક ભાગમાં વરસાદ પડે જ્યારે અન્ય ભાગો સૂકા રહે તેને ખંડવૃષ્ટિ કહેવાય

ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકો પરેશાન થઈ રહ્યા હોય એ જ વિસ્તારથી પાંચ-દસ કિલોમીટર દૂર કશું ના હોય એવું બને છે. પહેલાં ચોમાસાની સીઝન જામતી અને દિવસો સુધી ધીમી પણ નિયમિત ધારે વરસાદ પડ્યા કરતો હતો. હવે એવું રહ્યું નથી અને પડી જાય ત્યારે ધમધોકાર ને બાકી કોરુંધાકોર એવી હાલત છે. હવામાન ખાતું પણ સ્વીકારે છે કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદની પેટર્ન બદલાઇ છે.

આવું કેમ થાય છે?

  • સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનથી વરસાદ શરૂ થાય સપ્ટેમ્બરમાં વિદાય લે
  • ક્યારેક ચોમાસુ મોડું વિદાય લે છે તો ક્યારેક વહેલું વિદાય લે
  • ગ્લોબલ, સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ એમ અનેક પરિબળ જવાબદાર
  • ગ્લોબલ વોર્મિંગના કારણે સર્જાતાં પરિવર્તનો પણ તેને માટે જવાબદાર
  • ગુજરાતમાં પ્રદૂષણ બેફામ વધ્યું
  • હવામાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધ્યું

ગુજરાતમાં અરબી સમુદ્ર તરફથી આવતા પવનો સાથે ખેંચાઈ આનતાં વાદળો વરસાદ લાવે છે. જો કે હવે હવા વધારે પ્રદૂષિત થઈ રહી છે તેથી વાદળાં ઝડપથી આગળ વધી શકતાં નથી તેથી વચ્ચે જ એકસામટાં વરસી જાય છે. આ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અથવા નિષ્ણાતો જેને જળવાયુ પરિવર્તનની અસર કહે છે તેના કારણે ગુજરાતમાં ચોમાસુ અનિયમિત અને અણધાર્યું બની ગયું છે. છેલ્લાં દસ વર્ષના આંકડા તપાસવામાં આવે તો ખબર પડે કે, ગુજરાતમાં ચોમાસું અનિયમિત જોવા મળે છે.

ઝોન પ્રમાણે સમજો વરસાદની પેટર્ન

  • સૌરાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક વરસોથી ભારેથી અતિભારે વરસાદ
  • વરસાદી સિસ્ટમના સર્જનમાં જોવા મળતી નવી પેટર્ન
  • ઉત્તર ગુજરાત, કચ્છ અને અરબી સમુદ્રની આસપાસ સિસ્ટમ સક્રીય
  • સૌથી વધારે અસર સૌરાષ્ટ્રમાં
  • ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ
  • દક્ષિણ ગુજરાતમાં શીઅર ઝોન અને ઑફ્ટર ટ્રફ
  • હવાનું હળવું દબાણ સર્જતી રેખાના કારણે ધોધમાર વરસાદ
  • રેખા દક્ષિણ ગુજરાતથી લઈને કર્ણાટક સુધી અરબી સાગરમાં બને
  • અહીં કલાકોમાં ધોધમાર વરસાદ પડી જાય

ગુજરાતમાં એક ફેરફાર એ જોવા મળી રહ્યો છે કે, મોન્સૂન ટ્રફ તેની નોર્મલ પોઝિશનથી દક્ષિણ તરફ ઢળી રહ્યું છે કે જે ચોમાસા માટે સાનુકૂળ પરિસ્થિતિ ગણી શકાય. છેલ્લાં કેટલાંક વરસોથી ચોમાસાની ધરી તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ બાજુ ઝૂકેલી રહેતી હોવાથી વરસાદનું પ્રમાણ મધ્ય ભારત, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ છે. ઉત્તર ગુજરાત અને કચ્છની આજુબાજુમાં જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે તેના કારણે ભેજનું પ્રમાણ આ વિસ્તારમાં વધુ જોવા મળે છે. આ કારણે વરસાદનું પ્રમાણ દરિયાકાંઠાના વિસ્તારમાં વધારે જોવા મળે છે. છેલ્લાં કેટલાંક વરસોથી મોન્સૂન ટ્રફ પોરબંદર અને સુરત તરફથી પસાર થાય છે. આ કારણે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થાય છે. સૌરાષ્ટ્રમાં ગીર- સોમનાથ અને દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદનું વધુ જોર રહે છે. આ વરસાદની વહેંચણી પણ અનિયમિત રહે છે એ તો સમસ્યા છે જ. આ સિવાય ક્યાંક ભારે ને ક્યાંક સાવ વરસાદ ના પડે એવી સ્થિતી માટે અરબી સમુદ્રની સક્રિયતા પહેલાં કરતાં વધી છે એ પણ એક કારણ છે. ચોમાસામાં અરબી સમુદ્રના ચક્રવાત કેટલું ટકે છે તેના પર વરસાદનો આધાર છે કેમ કે ગુજરાતમાં અરબી સમુદ્ર પરથી આવતાં પવનો વરસાદ લાવે છે…

કેમ બદલાઈ વરસાદની પેટર્ન ?

  • છેલ્લાં કેટલાંક વરસોમાં અરબી સમુદ્રમાં ચક્રવાત ટકવાની આવરદા વધી
  • અરબી સમુદ્રમાં ચક્રવાત લાંબો સમય રહે તે સારુ નથી.
  • ચક્રવાત ચોમાસાને આગળ વધારવામાં મદદ કરે તે જ ચક્રવાત પવનની પેટર્નને ખોરવી નાંખે
  • વરસાદ લાવનારાં વાદળો પવનની ચોક્કસ સ્થિર ગતિ રહે તો જ આગળ વધી શકે
  • પવનની પેટર્ન બદલાય તેના કારણે વાદળો ઝડપભેર આગળ વધતાં નથી
  • દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં જ વરસી જાય
  • દરિયાકિનારાની નજીકના વિસ્તારોમાં દર વર્ષે સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ થાય
  • જ્યારે દરિયાથી દૂર આવેલા વિસ્તારોમાં વરસાદ પડતો જ નથી.
  • ગુજરાતમાં બદલાયેલી વરસાદી પેટર્નની અસર ઉનાળા અને ચોમાસા પર પણ
  • વર્ષો પહેલા ગુજરાતમાં એક જ સિસ્ટમથી અને એક જ રીતે વરસાદ નોંધાતો હતો

છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળામાં અને શિયાળામાં પણ વરસાદી ઝાપટાં પડે છે જ્યારે ચોમાસાની સિઝનમાં વરસાદ મોડો પડે એવું પણ વારંવાર બને છે. આ સ્થિતી સર્જાવાનું કારણ પણ અરબી સમુદ્રની પવનની પેટર્નમાં થઈ રહેલો ફેરફાર છે. સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ જાય તો તેના કારણે શિયાળા કે ઉનાળામાં પણ માવઠાં થઈ જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ચોમાસામાં પડતા વરસાદની પૅટર્નમાં જોવા મળેલી અનિયમિતતાની અસર ઘણ બધી બાબતો પર પડે છે પણ સૌથી વધારે અસર ખેતી પર પડી રહી છે. આ બદલાતી પેટર્મ ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી રહી છે. ભારે વરસાદના કારણ લોકોને પડતી તકલીફો કામચલાઉ હોય છે કેમ કે પાણી ઓસરતાં એ તકલીફો પણ ઓસરી જાય છે. જો કે ખેતીને થતી અસર આખું વરસ બગાડે છે કેમ કે ખેતી અર્થતંત્રની કરોડરજ્જુ છે. કૃષિ વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોના મતે ક્લાઈમેટ ચેન્જની અસર હેઠળ પડતા અતિ ભારે વરસાદ સહિતના હવામાનમાં નોંધાઈ રહેલા ફેરફારને લીધે થતાં નુકસાનથી બચવા ખેડૂતોએખેતીની પદ્ધતિ અને પાકની વાવણીમાં પરિવર્તન લાવવાની જરૂર પડશે.ચોમાસાની અનિયમિતતા પાકની ઉત્પાદકતાને અસર કરે છે અને સરવાળે ખેડૂતોને નુકસાન થાય છે.

કૃષિવિભાગના આંકડા અનુસાર ગુજરાતમાં અંદાજે 78 ટકા વિસ્તાર એટલે કે 80 લાખ હેક્ટર વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે.અત્યારે જે વરસાદની પેટર્ન છે એ આ 78 ટકા પાકને નુકસાન કરી રહી છે. રાજ્યમાં સામાન્ય રીતે દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનાના બીજા સપ્તાહમાં થાય છે.સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જૂનના ત્રીજા કે ચોથા સપ્તાહમાંચોમાસાની થાય છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસું રાજ્યમાંથી વિદાય લઈ લે છે.હવે સ્થિતી એ હદે બદલાઈ છે કે, ગુજરાતમાં એક સમયે જ્યાં દુષ્કાળ પડતો હતો ત્યાં આજે લીલા દુષ્કાળ જેવી સ્થિતી સર્જાઈ જાય છે. વરસાદની બદલાતી પૅટર્ન પાકોને ગંભીર અસર કરી રહી છે.ગુજરાતે આ નુકસાનથી બચવા ખેતીની વ્યૂહરચના પણ બદલવી જરૂરી છે. વરસાદની અનિયમિતતા અને ક્લાઈમેટ ચેન્જના કારણે ખેડૂતોને થતા નુકસાનથી બચવા માટે કૃષિ વૈજ્ઞાનિકો તેમને આકસ્મિક પાકનું આયોજન કરવા માટેની સલાહ આપે છે.ખેડૂતોએ એક જ પાક વાવવાને બદલે લાંબા ગાળાના પાક સાથે ટૂંકા ગાળાના પાકો પણ વાવવા જોઈએ. ભારે વરસાદના કારણે ખેડૂતોનો એક પાક નિષ્ફળ જાય તો તેનું નુકસાન તેઓ બીજા પાકથી સરભર કરી શકે.કઠોળ અને શાકભાજી ટૂંકા ગાળાના પાક હોવાથી અનુકૂળ હોય તેવા મુખ્ય પાકની સાથે આ પાક વાવવા જોઈએ. જો કે છેલ્લાં કેટલાંક વરસોથી જુલાઈમાં જ અતિશય પાણી પડી જાય છે તેમાં જ પાકનો સૌથી વળી જાય છે તેથી હાલત બગડી જાય છે. શિયાળામાં પણ હવે ઠંડીની અનિયમિતતા જોવા મળે છે તેથી શિયાળામાં પણ પાકની પેટર્ન બદલવી જરૂરી છે. કૃષિ વૈજ્ઞાનિકો પાકનું યોગ્ય આયોજન કરવાની સલાહ આપે છે અને તેમાં સરકારની સક્રિય ભાગીદારી જરૂરી છે. વાવણીનો સમય, પાકના બિયારણની જાતો અને કૃષિપદ્ધતિમાં ફેરફાર કરીને ખેડૂતો તેના પાક પર તોળાતા જોખમને ટાળી શકે છે.

આ માટે સરકારે ખેડૂતોને તાલીમ આપવી જોઈએ. ક્લાઈમેટ ચેન્જથી ખેતીને થતી અસરથી બચવા ખેડૂતોએ ક્લાઇમેટ સ્માર્ટ ખેતી તરફ વળવું જોઈએ. આ માટે સરકારે કૃષિ ઇકૉસિસ્ટમ વિવિધતાસભર બનાવવી જોઈએ. ખેડૂતોએ એવા પાકની પસંદગી કરવી જોઈએ જે વિશેષ ઍગ્રો ક્લાઇમેટ કન્ડિશનમાં ગરમી, ઠંડી અને વરસાદની અનિયમિતતાની અસરનો સામનો કરી શકે. અલબત્ત તેના માટેનું બજાર સરકારે તૈયાર કરવું પડે. ખેતી વરસાદ સાથે જોડાયેલી છે તેથી આ આડવાત કરી પણ મુખ્ય મુદ્દો વરસાદી પેટર્નમાં ફેરફારનો છે.