આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની અનેક શાળામાં શિક્ષકોની ઘટ
આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ઉનાળું વેકેશન પૂરું થયાને એક મહિનાથી વધારે જેટલો સમય થયો છે. શાળામાં શૈક્ષણિક કાર્યની શરૂઆત પણ થઈ ગઈ છે. તેમ છતાં હજુ અમદાવાદ સહિત રાજ્યભરમાં જ્યાં શિક્ષકોની ઘટ છે, તેને પહોંચી વળવા માટે જ્ઞાન સહાયક શિક્ષક ભરતી કરવાની પ્રક્રિયા શરૂ નથી કરવામાં આવી.
જે-તે શાળામાં અગાઉ જ્ઞાન સહાયક શિક્ષક તરીકે કામ કરતા હતા, તેવાં શિક્ષકોને તેમની શાળામાં કોન્ટ્રાક્ટર રીન્યૂ કરી દેવામાં આવે છે, પરંતુ કેટલીક એવી શાળાઓ છે કે, જ્યાં ગયા વર્ષે જ્ઞાન સહાયકની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ જ્ઞાન સહાયક શિક્ષકો હાજર થયા ન હતા. ત્યાં હજુ પણ શિક્ષકોની ઘટ યથાવત છે.
બીજી તરફ વર્ષ દરમિયાન નિવૃત્ત થયેલા શિક્ષકોની જગ્યા પણ ખાલી છે. રાજ્ય સરકાર દ્વારા કાયમી ધોરણે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ ભરતી ક્યારે કરશે તે સૌથી મોટો સવાલ છે. આ દરમિયાન વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે કામચલાઉ ધોરણે જ્ઞાન સહાયક શિક્ષકો જે-તે શાળાઓ માટે મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થતા હોય છે.
રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં રાજ્યભરમાં અંદાજે 5000થી વધારે જેટલા જ્ઞાન સહાયક શિક્ષકોની ઘટ હોવાનો દાવો કર્યો છે. જ્યારે અમદાવાદ શહેરમાં અંદાજે 400 જેટલા જ્ઞાન સહાયક શિક્ષકોની ઘટ છે. મહત્વની વાત એ છે કે, આવતા વર્ષે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં શરૂ થાય એવી શક્યતા છે. જેથી શાળાઓમાં કામના કલાકો એટલે કે શૈક્ષણિક કાર્યના દિવસો પણ મર્યાદિત રહેવાના છે. જેથી રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જ્યાં સુધી સરકારની જાહેરાત પ્રમાણે કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઝડપથી જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા કરવામાં આવે તેવી માંગ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે, જે શાળામાં શિક્ષકોને રીન્યુ કરવાના હતા એની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને શિક્ષકો કામ કરી રહ્યા છ. પરંતુ જ્યાં શિક્ષકો નથી ત્યાં વિભાગની મંજૂરીની પ્રક્રિયા બાદ અમદાવાદની શાળાઓમાં ઘટ હોય ત્યાં શિક્ષકો આપવામાં આપવામાં આવશે.