January 22, 2025

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ; મહેસાણાં મંદિર તૂટ્યું, મોડાસામાં લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે.

મહેસાણામાં છેલ્લા 24 કલાકથી સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે મહેસાણામાં એક મંદિર તૂટી ગયું છે. ઉદપુરા કટોસણ ગામમાં મંદિર ધ્વસ્ત થઈ ગયું છે.

ભારે વરસાદને કારણે કારણે પૌરાણિક સ્વામિનારાયણ મંદિર તૂટી ગયું છે. મૂર્તિ અને ગર્ભગૃહ સલામત છે. ત્યારે આ દુર્ઘટનામાં માનસંગભા ઠાકોર નામના એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

સાબરકાંઠામાં કાર તણાઈ ગઈ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી વહેતી હાથમતી નદીના કોઝવેમાં કાર તણાઈ ગઈ છે. હિંમતનગરથી હાપા જતા કોઝવેમાં કાર તણાઈ છે. ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોનું રેસ્ક્યૂ કર્યું છે અને તેમને સલામત જગ્યાએ ખસેડ્યા છે.

અંબાજીમાં ભારે વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અંબાજીમાં ભારે પવન સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે પણ અંબાજીમાં ભારે વરસાદ હતો. અંબાજી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

મોડાસામાં લોકોનું સ્થળાંતર કર્યું
અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અણિયોર વિસ્તારમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મોડાસાની ઝમઝમ સોસાયટીના 10 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે મખદુમ હોલ ખાતે લોકોને આશરો આપવામાં આવ્યો છે. સતત વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાયાં છે. મોડાસા ફાયર ટીમ અને સ્થાનિક સંસ્થાઓ કામગીરી કરી રહી છે. જિલ્લામાં સૌથી વધુ મેઘરજમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે સ્થાનિકો પરેશાન થયા છે.