December 24, 2024

અમદાવાદના 200થી વધુ મદરેસામાં સરવે, 11 મુદ્દા પર ચેકિંગ

જયેશ ચૌહાણ, અમદાવાદઃ રાષ્ટ્રીય બાળ આયોગના પરિપત્ર બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના મુખ્ય સચિવના આદેશથી સવારથી જ ગુજરાતના તમામ મદરેસામાં સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 200થી વધુ મદરેસામાં પણ શિક્ષકોએ સર્વેની કામગીરી શરૂ કરી હતી. સરવેમાં મદરેસામાં બાળકોની સંખ્યા, શિક્ષકો, આવકનો સ્ત્રોત સહિતના કુલ 11 મુદ્દાઓ પર રાજ્યની 1130 જેટલી મદરેસાઓમાં સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ મદરેસામાં અભ્યાસ કરતા બાળકોને લઈને ફરિયાદ મળ્યા બાદ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મદરેસાઓનો સર્વે કરવા આદેશ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના પરિપત્રના આધારે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ DEOને મદરેસામાં સરવે કરવા માટે આદેશ કર્યા હતા. આ અંગે વાત કરતા અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. લગધીર દેસાઇએ જણાવ્યું હતું કે, ‘શિક્ષણ વિભાગના આદેશ બાદ આજે સવારે અમદાવાદ શહેરના 175 મદરેસાઓમાં સરવેની કામગીરી માટે ટીમો રવાના કરવામાં આવી હતી. સરવેનો મુખ્ય હેતુ RTE હેઠળ બાળકોને શિક્ષાનો અધિકાર આપવામાં આવ્યો છે. ત્યારે ધાર્મિક સંસ્થાઓમાં ધાર્મિક સાથે બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. શિક્ષકોએ મદરેસામાં સરવે કરી તમામ માહિતી બપોરે 3 વાગ્યા પહેલા ગૂગલ સીટમાં અપલોડ કરી દીધી છે. દરેક ટીમમાં 2 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરવે અંગે મદરેસાઓના મૌલાનાઓ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદના દરિયાપુરમાં આવેલા મદરેસામાં તપાસ દરમિયાન આચાર્ય પર ટોળાનો હુમલો

ગુજરાતના શિક્ષણ વિભાગના આદેશને પગલે આજે સવારે અમદાવાદ DEO દ્વારા નવરંગપુરાની લોયોલા સ્કૂલ ખાતે સરવેની કામગીરી કરનારા શિક્ષકોની ખાનગી બેઠક મળી હતી. જેમાં શિક્ષકોને કરવાની કામગીરી અંગે અવગત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ તમામ શિક્ષકો શહેરની અલગ અલગ મદરેસામાં સરવેની કામગીરી કરવા માટે પહોંચ્યા હતા. દરિયાપુરમાં આવેલ સૈયદ અલી કી મસ્જિદમાં પહોંચી હતી, પરંતુ મીડિયાને જોતા સ્થાનિક લોકોએ હોબાળો કરી સરવે કરવા આવનારા શિક્ષકોને પણ ત્યાંથી જવા મજબૂર કરી દીધા હતા. દૂધેશ્વર BRTSની સામે આવેલ મદરેસામાં પણ શિક્ષકો સરવે કરવા માટે પહોંચ્યા હતા.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આદેશ બાદ સરવે માટે મદરેસામાં જનારા કર્મચારીઓને પણ મુશ્કેલી પડી હતી. કેટલીક જગ્યાઓ પર રકઝકના બનાવો પણ સામે આવ્યા હતા. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી સૈયદ અલી કી મસ્જિદમાં સરવે માટે પહોંચેલા કર્મચારીઓને પણ સ્થાનિક લોકોએ માહિતી આપ્યા વિના જ રવાના કર્યા હતા. તો બીજી તરફ દરિયાપુરમાં બાપુનગરની એક સ્કૂલના આચાર્ય પર દરિયાપુરના સુલતાન મહોલ્લામાં સરવે કરવા પહોંચતા ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. જેના પગલે આચાર્યએ DEO સાથે દરિયાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ ગુજરાતના મદરેસામાં તપાસનો આદેશ, 1200 મદરેસામાં ચેકિંગ થશે

મદરેસામાં સરવેની કામગીરી કરનારા શિક્ષકો પર હુમલાની ઘટના અંગે આચાર્ય સંઘે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, આ ઘટના ખુબ જ દુ:ખદ છે. કોઈ મહત્વની જાણકારી મેળવવા શિક્ષક સંવેદનશીલ વિસ્તારમાં જાય ત્યારે રક્ષણ પુરૂં પાડવું જોઇએ. આ પ્રકારનું વાતાવરણ રહે તો પછી શિક્ષકો કઈ રીતે કામગીરી કરી શકશે.