January 28, 2025

ગુજરાતમાં આ 5 બેઠકનો ઇતિહાસ રોચક, જાણો હાલમાં કેવી છે સ્થિતિ

gujarat lok sabha election 2024 history 5 biggest key seats

ગુજરાતની આ પાંચ બેઠક અતિમહત્વની છે.

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ત્યારે હવે આગામી 7મી મેના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે. ગુજરાતની વાત કરીએ તો, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગાંધીનગરથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે, 4થી જૂને મતગણતરી યોજાશે અને કઈ પાર્ટી મેદાન મારી જાય છે નક્કી થશે. તો આ આર્ટિકલમાં ગુજરાતની મહત્વની 5 સીટ વિશે વાત કરીશું. જ્યાં જ્ઞાતિગત સમીકરણ મહત્વના બની રહે છે અને તેનો ઇતિહાસ પણ રસાકસીભર્યો રહ્યો છે.

ગુજરાતની મુખ્ય બેઠકો નીચે પ્રમાણે ગણી શકાય છે. જ્યાં જ્ઞાતિગત સમીકરણથી માંડીને ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે.

1. ગાંધીનગર: આ બેઠક ઘણા લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. આ બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓને સંસદમાં મોકલ્યા છે. હવે તેનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરી રહ્યા છે. તેમણે આ સીટ પરથી વર્ષ 2019માં કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાને 5.57 લાખની લીડથી હરાવ્યા હતા.

2. પોરબંદર: આ બેઠક જ્ઞાતિગત સમીકરણને કારણે ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. સંખ્યાત્મક રીતે અને ચૂંટણીની રણનીતિ પ્રમાણે આ બેઠકના મતવિસ્તારમાં પટેલ સમાજની પેટાજ્ઞાતિ લેઉવા પાટીદારોનું વર્ચસ્વ છે. આ વર્ષે ભાજપે આ સીટ પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે. ભાવનગર જિલ્લાના આ મંત્રી હાલમાં રાજ્યસભાના સાંસદ છે. ભાજપ 1991થી પોરબંદર બેઠક જીતી રહ્યું છે, 2009ની એક ટર્મ કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા આ બેઠક જીત્યા હતા.

3. રાજકોટ: વર્ષ 1989થી ભાજપનો ગઢ બનેલી આ બેઠકમાં પણ પટેલ સમાજનું વર્ચસ્વ છે. આ મતવિસ્તારમાં લેઉવા પાટીદાર સમાજ મજબૂત છે. ત્યારે આ વર્ષે અહીંથી મોદીના નજીકના ગણાતા અને કડવા પાટીદાર સમાજમાંથી આવતા પરશોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે.

4. સુરત: વર્ષ 1989થી આ સીટ પર ભાજપનો દબદબો રહ્યો છે. કેન્દ્રીય રેલ્વે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશ સુરતના હાલના સાંસદ છે, તેમણે 2019ની ચૂંટણીમાં 5.4 લાખ મતોના માર્જિન સાથે બેઠક જીતી હતી. દેશના રાજકીય ઈતિહાસમાં પણ આ બેઠકનું સ્થાન અગત્યનું છે. કારણ કે પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ અહીંથી પાંચ વખત જીત્યા હતા.

5. ભરૂચ: આ બેઠક આદિવાસી પટ્ટાની મુખ્ય બેઠક ગણવામાં આવે છે. ભાજપના અગ્રણી નેતા મનસુખ વસાવા સતત 1999થી આ સીટ પરથી લોકસભા ચૂંટણી જીતી રહ્યા છે. ત્યારે આ વખતે પણ ભાજપે તેમને ટિકિટ આપી રિપિટ કર્યા છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ગઠબંધન કર્યું છે અને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા બેઠકના હાલના ધારાસભ્ય ચૈતર વસાવાને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, મનસુખ વસાવા 2019માં 3.3 લાખ મતોના માર્જિન સાથે જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભરૂચ બેઠક એક સમયે કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલ પાસે હતી અને તેમણે ઘણાં વર્ષો સુધી આ બેઠક પર દબદબો જાળવી રાખ્યો હતો.