January 18, 2025

ગુજરાતમાં આજે મતદાન, આ હાઇપ્રોફાઇલ દિગ્ગજોનાં ભાવિ EVMમાં થશે સીલ

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું છે. ત્યારે ગુજરાત રાજ્યની 25 બેઠક પર ઉમેદવારોના ભવિષ્ય નક્કી થશે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ગુજરાતીઓએ 26 બેઠક પર ભાજપને જીત અપાવી હતી. ત્યારે આ વખતે જો એવું બને તો ગુજરાતમાં 26 બેઠક જીતીને ભાજપ હેટ્રિક લગાવશે. ઉલ્લેખનીય છે કે, સુરત લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે.

અમિત શાહ – Amit Shah
એક ટર્મથી ભારત સરકારમાં ગૃહમંત્રીનું પદ શોભાવતા અમિત શાહ ગાંધીનગરની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ પહેલાં તેઓ વર્ષ 1997થી વર્ષ 2012 સુધી ગુજરાતની સરખેજ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ત્યારે આ વખતે તેમની સામે કોંગ્રેસના સોનલ પટેલનો મેદાને ઉતર્યા છે. આ સીટ પર તેમણે 10 લાખની લીડથી જીતવાનો દાવો કર્યો છો.

સીઆર પાટીલ – CR Patil
વર્ષ 2009થી આ સીટ પર સીઆર પાટીલ સતત ભાજપમાંથી આ બેઠક જીતી રહ્યા છે. ત્યારે હાલ સીઆર પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે. તેમની સામે આ સીટ પરથી કોંગ્રેસના નૈષધ દેસાઈ મેદાને ઉતર્યા છે. તેમણે પણ 10 લાખની લીડથી જીતવાની આશા વ્યક્ત કરી છે.

પરશોત્તમ રૂપાલા – Parshottam Rupala
મોદી સરકારના કેન્દ્રીય મંત્રી અને તેમના નજીકના ગણાતા પરશોત્તમ રૂપાલાને આ વખતે લોકસભા ચૂંટણીમાં રાજકોટની સીટ પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે તેઓ ઘણાં ચર્ચામાં છે. તેને કારણે આ સીટ પર રસાકસીની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ વધુ છે.

મનસુખ માંડવિયા – Mansukh Mandaviya
મોદી સરકારના મંત્રીમંડળમાં આરોગ્ય મંત્રી રહી ચૂકેલા મનસુખ માંડવિયાને આ વખતે પોરબંદર લોકસભા બેઠક પરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2012થી 2024 સુધી તેઓ ભાજપમાંથી રાજ્યસભાના સભ્ય રહ્યા છે. વર્ષ 2021માં તેમને આરોગ્ય મંત્રીનો હવાલો આપવામાં આવ્યો હતો.

પરેશ ધાનાણી – Paresh Dhanani
લેઉવા પાટીદાર સમાજનું મોટું માથું ગણાતા કોંગ્રેસના આ ઉમેદવારને રાજકોટ લોકસભા બેઠક પરથી પરશોત્તમ રુપાલા સામે મેદાને ઉતારવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, રાજકોટ લોકસભા મતવિસ્તારમાં લેઉવા પાટીદારોનું વર્ચસ્વ વધારે છે અને બીજી તરફ ક્ષત્રિય આંદોલનને કારણે અહીં કોંગ્રેસને ફાયદો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચૈતર વસાવા – Chaitar Vasava
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ વખતે ગઠબંધનથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તે પ્રમાણે ભરૂચ લોકસભા બેઠક પરથી તેમણે આદિવાસી ચહેરો ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા છે, જે છેલ્લા 7 ટર્મથી એટલે કે 35 વર્ષથી ભાજપમાંથી ચૂંટાતા આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્યને મેદાને ઉતારીને નવો દાવ ખેલ્યો છે. ઉલ્લેખનીય છે કે, બંને આદિવાસી બેલ્ટમાં ખૂબ જ મોટો ચહેરો હોવાથી આ સીટ પર પણ રસાકસી થાય તેવું દેખાઈ રહ્યું છે.

ગેનીબેન ઠાકોર – Geniben Thakor
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું મોટું નામ અને હાલમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આ વખતે લોકસભામાં પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેમણે ઠેર-ઠેર જાહેર સભાના આયોજનથી માંડીને ગામડાંઓમાં ફરવું, લોકો વચ્ચે જઈને પ્રચાર કરવાની નવી સ્ટ્રેટેજી અપનાવી છે. તેનાથી આ સીટ પર પણ કોંગ્રેસને મોટો ફાયદો થાય તેવી શક્યતા છે. હવે આ સ્ટ્રેટેજી કેટલી અસરકારક નીવડે છે એ આગામી 4થી જૂને જ ખબર પડશે. ઉલ્લેખનીય છે કે, તેમની સામે ભાજપે રેખા ચૌધરીને ટિકિટ આપી છે.