November 18, 2024

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું – ખોટું બોલવું કોંગ્રેસની માનસિકતા, ક્ષત્રિય સમાજમાં રોષ

અમિત રુપાપરા, સુરતઃ રાહુલ ગાંધીએ રાજા-રજવાડાંઓ સંદર્ભે કરેલા નિવેદન બાદ સત્તાપક્ષ દ્વારા કોંગ્રેસ પાર્ટીને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના આ નિવેદન અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, મોરાજી દેસાઈની સરકારને તોડવાનું કાર્ય પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન બાદ દેશભરના ક્ષત્રિય સમાજના લોકોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. ખોટું બોલવુંએ કોંગ્રેસની માનસિકતા ચાલી આવી છે.

સુરત ખાતેથી રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા આપતા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘પ્રિયંકા ગાંધીએ ચૂંટણીલક્ષી આદિવાસી લોકોના હિતની જે વાત કરી હતી પરંતુ તેઓ ભૂલી ગયા કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તેમનો વિરોધ પણ તેમની પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યો હતો. આદિવાસી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા હતા તે વેળાએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસની સરકારના સાશનમાં આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી નહોતું. આજે મોદીના સાશનમાં ઘરે ઘરે પાણી પહોંચ્યું છે. રોડ રસ્તાઓ બન્યાં છે. આજે આદિવાસી દીકરીએ રમત ગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે.’

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘મોરારજી દેસાઈની સરકારને તોડવાનું કાર્ય આ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના વિકાસને દૂર રાખવાનો કારસો કોંગ્રેસે રચ્યો હતો. રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી છે. જે રાજાઓએ રજવાડાં એક કરવા બલિદાન આપ્યું, જ્યાં આવા રાજા-રજવાડાંઓને કોંગ્રેસે બદનામ કરવાનું બાકી રાખ્યું નથી. દેશને લૂંટવાનું કાર્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન બદલ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે.’

રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રૂપાલા વિવાદ મામલે જણાવ્યું હતું કે, ‘રૂપાલાએ આપેલા નિવેદન એક ભૂલ છે. આ નિવેદન નહીં એક ભૂલ છે. આ નિવેદન બદલ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપે તેવી માગ છે. સીઆર પાટીલે પણ આ મામલે માફી માંગી છે. સમાજ વચ્ચે જઈને પણ માફી માંગવી જોઈએ. કોઈ સમાજના હૃદયમાં દુઃખની લાગણી ન હોય તે માટે માફી માંગવી જોઈએ. પરંતુ રાહુલ ગાંધીના નિવેદન સામે પણ નજર નાંખવી જોઈએ. ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની એકબાજુ છે. અમારી અનેક બેઠક થઈ છે અને પોઝીટીવ રિસ્પોન્સ મળ્યો છે.’

તેમણે જણાવ્યુ હતુ કે, ‘સમાજ અને ભાજપ વચ્ચે કોઈ વહેમના રહે તેનું ધ્યાન રાખવુ જોઈએ. મારે રાજકીય સ્ટેટમેન્ટ આ બાબતે આપવું નથી. સમાજ બાબતે કોઈ રાજકારણ કરવું નથી. આજે પ્રત્યેક ગામોનો વિકાસ થયો છે. શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે, આપણે સૌ સમાજને એક કરીને આગળ વધવું જોઈએ. ચૂંટણી માટે અનેક મુદાઓ છે. સમાજની રાજનીતિના હોવી જઈએ. કોઈના દિલમાં જ્યાં પણ દુઃખ હશે તે દુઃખ દૂર કરવા હજાર વખત માફી માંગવી પડશે તો માંગીશુ. સમાજ માટે રાજનીતિ નહીં હોવી જોઈએ.’

તેમને વધુમાં જણાવ્યું કે, ‘આપણા રાજ્યને આગળ વધાવવા પીએમ મોદીએ પ્રયાસ કર્યા છે. આ ચૂંટણી માં દેશભરના નાગરિકોએ મન બનાવી લીધું છે. સૌ સમાજના લોકોએ મન બનાવી લીધું છે. દેશના લોકો 3.0ની સરકાર બનાવવાની તૈયારી કરી લીધી છે. અબકી બાર મોદી સરકાર , અબકી બાર 400 કે પાર, ખોટું બોલવું કોંગ્રેસની વર્ષો જૂની પરંપરા રહી છે.’