May 19, 2024

ગીરમાં સિંહોના મોતને લઈ ગુજરાત હાઈકોર્ટે વન વિભાગ અને રેલવેની આકરી ટીકા કરી

ગીરનાં જંગલોમાં એક પ્રખ્યાત કહેવત છે,સિંહ મારો ભાઈ, મારો દુશ્મન નહીં.

અમદાવાદ: જંગલોના રાજા સિંહ અને માણસો એક સાથે રહે એ વાત દુનિયાના લોકો માટે માનવી મુશ્કેલ હોય શકે છે. જોકે, ગુજરાતના લોકો માટે આ નવાઈની વાત નથી. તેમણે સિંહ અને માણસોનું સહઅસ્તિત્વ ગીરમાં જોયું છે. ગુજરાતના લોકોએ અનેક વિડીયો જોયા છે કે, જ્યાં સિંહ અને માણસ સાવ નજીક આવી ગયા હોય. સાવ આમને-સામને હોય. આમ છતાં સિંહ માથું નીચું કરીને પોતાના રસ્તે જતો રહે છે. કેમ કે, સિંહ અને માણસો બંનેએ સ્વીકારી લીધું છે કે, ગીર તેમના બંનેનું ઘર છે. ઘણી વખત સિંહો ગામમાં આવી જાય છે અને પશુઓનું મારણ કરે છે. છતાં ગામના લોકો સિંહોને માન આપે છે અને તેમને ભગવાનનું સ્વરૂપ માને છે. ગીરનાં જંગલોમાં એક પ્રખ્યાત કહેવત છે, “સિંહ મારો ભાઈ, મારો દુશ્મન નહીં.” આ જ અસ્મિતા, આ જ સંસ્કૃતિનો ખ્યાલ લાયન એન્થમથી સારી રીતે આવે છે. સિંહોનું પણ એન્થમ હોય શકે? બિલકુલ વિશ્વ સિંહ દિવસે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આ લાયન એન્થમ લોન્ચ કર્યું હતું.

આ લાયન એન્થમ શેર કરવાની સાથે ગુજરાતના CMએ એક્સ પર લખ્યું હતું કે, નેશનલ એન્થમ સાંભળીએ ત્યારે દેશ પ્રત્યે આદર અને ગર્વની લાગણી સહજ ઉભરી આવે. એ જ રીતે વનવિભાગે તૈયાર કરેલું લાયન એન્થમ સાંભળીને ગુજરાતની શાન સમા સાવજ પ્રત્યે ગૌરવની લાગણી થશે.

‘ધીમે ધમ ધધમ ધમ કદમ જે ઉઠાવે, ગીરી રાજવી રાજ સાવજ કહાવે. જટા કેશવાળી, છટા ઠાઠવાળી, બધા નેહમાં કેહ એની કહાણી…’ આ લાયન એન્થમના પ્રોડક્શનમાં રોહન ત્રિવેદી અને એકતા જન્મય ચોકસી સંકળાયેલા હતા. પાર્થ તાજપરાના શબ્દોને બ્રીજરાજ ગઢવીએ કંઠ આપીને નિશિત મહેતાના સંગીતમાં સ્વરબદ્ધ કરાયું છે. જોકે, આવા સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. મામલો હાઈ કોર્ટમાં પણ ગયો છે.

જુલાઈ 2023થી જાન્યુઆરી 2024 દરમ્યાન સાત સિંહ રેલવે ટ્રેક પર મૃત્યુ પામ્યા છે. લીલીયા, સાવરકુંડલા, રાજુલા અને પીપાવાવ વિસ્તારમાં સિંહની નોંધપાત્ર સંખ્યા છે. આ વિસ્તારોમાં 100 જેટલા સિંહો રહે છે. જોકે, સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી રેલવે લાઇન પણ આ વિસ્તારમાંથી જ પસાર થાય છે. સિંહો ટ્રેનની નીચે કચડાઈને મૃત્યુ ના પામે એ માટે અનેક સ્ટેપ્સ લેવામાં આવ્યાં છે. વન વિભાગ અને રેલવેએ અદાલતને જે કંઈ પણ સજેશન્સ સૂચવ્યાં એનાથી ન્યાયાધીશો જરાય ઇમ્પ્રેસ થયા નથી. અદાલતે વન વિભાગને સવાલ કર્યો કે, જાન્યુઆરીમાં બે અકસ્માતમાં સિંહોનાં મોતની શા માટે તપાસ જ ન કરવામાં આવી. અદાલતે કહ્યું કે, ‘સિંહો તમારાં બાળક જેવાં છે. જો તમારું બાળક ઘરની બહાર જાય અને તેને રસ્તામાં અકસ્માત થાય તો ખરેખર શું થયું એ જાણવા માટે તપાસ કરશો?’ એ સિવાય અદાલતે ટીકા કરતાં શું કહ્યું એ અમે તમને જણાવીશું.

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન: તમામ ધર્મોના લઘુમતી ભારતમાં સુખી

અદાલતે સ્પષ્ટ કહ્યું કે, જંગલમાં બહારના કોઈ પણ એલિમેન્ટથી એક પણ પ્રાણીને કોઈ જાતનું નુકસાન ન થાય એ જોવાની જવાબદારી વન વિભાગની છે. સરકારના વકીલે લેવામાં આવેલાં પગલાંનું લિસ્ટ ગણાવવાની શરૂઆત કરી ત્યારે ચીફ જસ્ટિસે કહ્યું કે, આ તો બેબી સ્ટેપ્સ છે. અદાલતે સિંહોનાં મૃત્યુને લઈને નિષ્ક્રિય રહેનારા તમામ અધિકારીઓની આકરી ટીકા કરી હતી. સિંહોના મૃત્યુનાં કારણો જાણવા માટે રેલવે અને વન વિભાગે સાથે મળીને તપાસ કરવાની જરૂર હોવાનું પણ અદાલતે કહ્યું હતું. હકીકત એ છે કે, રેલવે અને વન વિભાગની વચ્ચે કો-ઑર્ડિનેશનની જરૂર છે. જો યોગ્ય સંકલન હોય તો રેલવેને સિંહની હિલચાલની ખબર રહે અને જો સિંહ નજીક હોય તો સ્પીડ બિલકુલ ઓછી કરી શકાય, પરંતુ હજી સુધી આ દિશામાં કામ થયું નથી.અદાલતે કહ્યા વિના રેલવે અને વન વિભાગે પોતાની રીતે જ પગલાં લેવાની જરૂર હોવાનું પણ ન્યાયાધિશે જણાવ્યું. આ તો થઈ રેલવે ટ્રેક્સ પર સિંહોનાં મૃત્યુની વાત. જોકે, સિંહો વચ્ચે લડાઈની વાત પણ બહાર આવી છે.

5 વર્ષમાં 555 સાવજનાં મોત

વર્ષ મૃત્યુ
2019 113
2020 124
2021 105
2022 110
2023 103

સિંહનાં મોતનાં કયાં કારણો

– ટ્રેન કે વાહનની હડફેટે મોત
– વીજ કરંટ લાગવાથી મૃત્યુ
– પાણીની શોધમાં કુવામાં પડવું
– મારણમાં ઝેર ભેળવી દેવું
– યુરિયાયુક્ત પાણી પીવાથી મૃત્યુ
– ખુલ્લા કુવામાં પડી જવાથી મોત
– બીમારી કે ઈજાના કારણે મૃત્યું
– વર્ચસ્વની આંતરિક લડાઈમાં મોત

સિંહનાં મોત થઈ રહ્યાં છે તો સામે સિંહની વસ્તી પણ વધી છે.

સિંહની વધતી વસ્તી

વર્ષ વસ્તી
2019 113
2020 124
2021 105
2022 110
2023 103

સિંહોના સંવર્ધનના પ્રયાસોના કારણે જંગલની બહાર પણ સિંહો જોવા મળે છે. જેના કારણે અનેક વખત માણસો અને સિંહો આમને-સામને આવે છે. રાજ્ય સરકારે અવારનવાર અનેક યોજનાઓ થકી સિંહોના સંવર્ધન માટે કામ કર્યું છે, જેના પરિણામે આજે 650થી વધુ સિંહ રાજ્યમાં છે.

સિંહોના સંવર્ધન માટે પ્રયાસ

  • સિંહોના સંવર્ધનનું કામ જુનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું
  • 2015માં સિંહની ગણતરી મુજબ 27 ટકાનો વસ્તીવધારો નોંધાયો
  • એશિયાઈ સિંહો એક સમયે સમગ્ર એશિયામાં મોટી સંખ્યામાં જોવા મળતા હતા
  • મેસોપોટેમિયા, પર્સિયા અને ભારતીય ઉપમહાદ્વીપ સિંહોનું આવાસસ્થાન હતું
  • ગુજરાતની બહાર છેલ્લો એશિયાઈ સિંહ 1884માં જોવા મળ્યો હતો

સિંહ એ માત્ર કોઈ સામાન્ય પ્રાણી નથી. બલકે, ગુજરાતના ગીરની ઓળખ છે. ગુજરાતની સંસ્કૃતિ અને અસ્મિતાનું એ અભિન્ન અંગ છે. એનું સંવર્ધન અને જાળવણી અત્યંત જરૂરી છે.