January 16, 2025

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ, ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. 5 દિવસના વિરામ બાદ રાતે ધોધમાર વરસાદ શરૂ થયો છે. તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.

વલસાડમાં ધોધમાર વરસાદ
વહેલી સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના બંને રેલવે અંડરપાસ બંધ થયા છે. શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતો મોગરાવાડી અંડરપાસ બંધ થયો તો છીપવાડ ખાતે આવેલો 40 ગામને જોડતો મુખ્ય અંડરપાસ પણ બંઝ થયો છે. બંને મુખ્ય અંડરપાસ બંધ થતા શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગના લોકો અટવાયા હતા. લોકોએ 15થી 20 કિલોમીટરનો ચકરાવો કરી શહેરમાં અને શહેરથી બહાર કામ અર્થે નીકળ્યા હતા.

પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ
નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ હતી. ત્યારે નદીકાંઠા પાસેના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગણેશ પ્રતિમાને ફાયર સ્ટેશનમાં મૂકવાની ફરજ પડી છે.