January 1, 2025

ભારે વરસાદથી 7 સ્ટેટ હાઇવે બંધ, 5322 ગામમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકથી ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર પથકના પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં થયેલા ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક રસ્તા બંધ થઈ ગયા છે. તો હજુ પણ કેટલાક ગામો પણ અંધારપટમાં છે.

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 7 સ્ટેટ હાઇવે બંધ છે. જેમાં પોરબંદરમાં 2 અને દ્વારકાના 2 સ્ટેટ હાઇવેનો સમાવેશ થાય છે. હાઇવે પર વરસાદના પાણી ફરી વળતા તંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરી દીધા છે. બીજી તરફ 168 પંચાયત માર્ગો બંધ થયા છે. જેમાં સૌથી વધુ જૂનાગઢમાં 73 અને પોરબંદર 68 રસ્તાઓ બંધ છે. જ્યારે રાજ્યમાં વરસાદના કારણે 1 નેશનલ હાઇવે બંધ છે. આમ રાજ્યના કુલ 194 રસ્તાઓ બંધ હોવાનું સામે આવ્યું છે.

બીજી તરફ રાજ્યમાં ભારે વરસાદના કારણે કુલ 33 જિલ્લામાં વીજ વિભાગને અસર થઈ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે 5322 ગામોમાં વીજ પુરવઠો બંધ થયાની ફરિયાદ આવી હતી. જેની સામે ઉર્જા વિભાગે 5279 ગામોમાં વીજ પુરવઠો શરૂ કર્યો છે. પરંતુ હજુ રાજ્યના 43 ગામોમાં વીજ પુરવઠો બંધ છે. જેમાં સૌથી વધુ દ્વારકાના 24 ગામોમાં અંધારપટ્ટ જોવા મળી રહ્યો છે. જ્યારે જૂનાગઢના 4 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

આ ઉપરાંત કચ્છના 6 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ સિવાય પોરબંદરના 9 ગામોમાં પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે. વરસાદના કારણે ફીડરની ફરિયાદ 9945 ઉર્જા વિભાગની સામે આવી હતી. તેમાંથી કુલ 9704 ફીડરની ફરિયાદનો નિકાલ કર્યો છે. જ્યારે હજુ 241 ફીડર પર કામ કરવાનું બાકી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદના કારણે કુલ 368 વીજ પોલ જમીનદોસ્ત થયા છે અને ટ્રાન્સફોર્મર 20 જેટલા બંધ થયા હોવાની ફરિયાદ સામે આવી છે.