4 કલાકમાં 72 તાલુકામાં વરસાદ, ડાંગના વઘઈમાં સાડા પાંચ ઇંચ ખાબક્યો
અમદાવાદઃ રાજ્યમાં સવારે 6.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધીમાં 4 કલાક દરમિયાન 72 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગના વઘઈમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપીના ઉચ્છલમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના આહવામાં 3.5 ઈંચ વરસાદ તો તાપીના ઢોલવનમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના ભરૂચ , નર્મદા, સુરત, તાપી, ડાંગ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભાવનગર અને અમરેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મહીસાગરમાં સાર્વત્રિક મેઘમહેર
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. સંતરામપુર તાલુકામાં એક ઇંચ લુણાવાડા, કડાણામાં અડધો ઇંચ વરસાદ, જિલ્લાના છ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા નગરના હુસૈની ચોક, દરકોલી દરવાજા, અસ્થાના બજાર, હટડીયા બજાર સહિત મોડાસા હાઇવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયાં છે.
ડાંગમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ
ડાંગના વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. વઘઈ તાલુકાના ઝાવડા ગામમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ થઈ છે. વરસાદને લઈને ઝાવડા ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.