છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભરૂચના નેત્રંગમાં 7.5 ઈંચ વરસાદ, નર્મદાના ગરૂડેશ્વરમાં 6 ઈંચ વરસાદ, નર્મદાના નાંદોદમાં 5.5 ઈંચ અને તિલકવાડામાં 4 ઈંચ વરસાદ, અમરેલીના લીલીયામાં અને સુરતના મહુવામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોઃ ગુજરાત પર 4 વરસાદી સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લામાં રેડ એલર્ટ
અનેક જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમણે હાલ ગુજરાત ઉપર 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું છે. રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ , ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ અને વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ , જામનગર, ભાવનગર, પોરબંદર, દ્વારકા ,બોટાદમાં ઓેરેન્જ એલર્ટ આપ્યું છે.
નવસારીમાં મોડી રાતથી વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે નવસારી અને જલાલપોરમાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. બે કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધાનેરા પોઇન્ટ, વિઠ્ઠલ મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. હાલ પણ જિલ્લામાં ધીમીધારે વરસાદ યથાવત્ છે.