January 22, 2025

છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વલસાડમાં 6 ઇંચ

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું બરાબર જામી ગયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 48 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.

નવસારીના ગણદેવી અને ખેરગામમાં 5.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડના પારડીમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીના ચીખલી અને જલાલપોરમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના વાપીમાં 4 ઈંચ અને ઉમરગામમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જિલ્લાના નવસારી, જલાલપોર અને ગણદેવી તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ગણદેવીમાં કાવેરી નદીના જળસ્તરમાં 1 ફૂટનો વધારો નોંધાયો છે અને નદીનું જળસ્તર 9.50 ફૂટે પહોંચી ગયું છે. નવસારી જિલ્લાના વાંસદામાં સ્થિત જૂજ અને કેલિયા ડેમની સપાટીમાં પણ નોંધાયો વધારો છે. જૂજ ડેમની જળસપાટી 0.30 મીટર વધી છે. તો કેલીયા ડેમની જળ સપાટીમાં 0.60 મીટરનો વધારો થયો છે.