હવામાન વિભાગની નવી આગાહી, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે પડેલા વરસાદને કારણે સમગ્ર ગુજરાત તરબોળ થઈ ગયું હતું. ત્યારે રાજ્યના અમુક જિલ્લામાં ઓરેન્જ તો અમુક જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના ભરૂચ , નર્મદા, સુરત, તાપી, ડાંગ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભાવનગર અને અમરેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મહીસાગરમાં સાર્વત્રિક મેઘમહેર
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. સંતરામપુર તાલુકામાં એક ઇંચ લુણાવાડા, કડાણામાં અડધો ઇંચ વરસાદ, જિલ્લાના છ તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદી માહોલ જામ્યો છે. લુણાવાડા નગરના હુસૈની ચોક, દરકોલી દરવાજા, અસ્થાના બજાર, હટડીયા બજાર સહિત મોડાસા હાઇવે ઉપર ઘૂંટણસમા પાણી ભરાયાં છે.
ડાંગમાં બે કલાકમાં 4 ઇંચ વરસાદ
ડાંગના વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. વઘઈ તાલુકાના ઝાવડા ગામમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો અંબિકા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ થઈ છે. વરસાદને લઈને ઝાવડા ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.