November 22, 2024

રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં મેઘરાજા બઘડાટી બોલાવશે

અમદાવાદઃ રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડમાં મેઘરાજા ભૂક્કા કાઢે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાટણમાં 5 ઇંચ

24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં 169 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાંથી રાજ્યના 42 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 127 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ પાટણ તાલુકામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
આ ઉપરાંત સરસ્વતીમાં સાડા 4 ઈંચ, અબડાસામાં સવા 4 ઈંચ, વિસનગરમાં 4 ઈંચ, જોટાણામાં સવા 3 ઈંચ, ખેરાલુ અને મહેસાણામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાભર અને બેચરાજીમાં પોણા 3 ઈંચ વરસાદ, રાધનપુરમાં પોણા 3 ઈંચ, સાંતલપુર અને લાખણીમાં અઢી ઈંચ, માંડવી (કચ્છ) માં અઢી ઈંચ, ચાણસ્મામાં સવા 2 ઈંચ વરસાદ, અંજાર અને સિધ્ધપુરમાં સવા 2 ઈંચ, વડનગરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. દેત્રોજ – રામપુરા, ઉમરપાડા, હારીજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખંભાળિયા, ભચાઉં, સતલાસણામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં પોણા 2 ઈંચ, કડીમાં પોણા 2 ઈંચ વરસાદ તો ગાંધીધામ, ખેડા, સમીમાં દોઢ ઈંચ, કાલાવાડમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.