વરસાદની શક્યતાઓ નહિવત્, હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં આગામી સમયમાં વાતાવરમ સૂકું જોવા મળશે તેવી શક્યતાઓ છે.
હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18.8°c નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 18°c નોંધાયું છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પવનની સ્પીડ 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે. આગામી દિવસોમાં વરસાદની શક્યતા નહિવત્ છે. પ્રેશર રેડિયેન્ટના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે.
અંબાલાલ પટેલની માવઠાંની આગાહી
ગુજરાતને માથે ફરી એકવાર કમોસમી વરસાદનું સંકટ આવી પડ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માવઠું પડશે તેવી આગાહી કરી છે. ત્યારે તેને લઈને ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આ ઉપરાંત 29 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી ભારે પવન ફૂંકાશે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે.