January 19, 2025

સંગીત-ચિત્રના શિક્ષકોને મજૂરો કરતાં ઓછું મહેનતાણું, શિક્ષક સંઘમાં આક્રોશ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં સંગીત અને ચિત્રના શિક્ષકોને મજૂરો કરતાં પણ ઓછું મહેનતાણું ચૂકવવામાં આવે છે. તેને લઇને શિક્ષક સંધમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ મામલે સરકારમાં રજૂઆત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા પહેલા સંગીત અને ચિત્રના શિક્ષકોની ભરતી પ્રવાસી તરીકેની કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોને તાસ દીઠ 50 રૂપિયા અને વધુમાં વધુ 9 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે તે પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. જેને લઇને શિક્ષક સંધમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સરકારે 24 હજારથી વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે અને તેમાં સંગીત અને ચિત્રના શિક્ષકોની ભરતી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. પરંતુ શિક્ષક સંઘની રજૂઆત બાદ ભરતી અંગેની જાહેરાત તો કરી દેવામાં આવી છે, પણ ભરતી ક્યારે થશે તે અંગે કોઈ ફોડ પાડવા તૈયાર નથી. ત્યારે ભરતી ન થાય ત્યાં સુધી સંગીત અને ચિત્રના શિક્ષકોને પ્રવાસી તરીકે લેવામાં આવશે. તેમાં પણ તેમનું શોષણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવ્યો છે.

શિક્ષક સંઘે સરકારમાં રજૂઆત કરી છે કે, એક મજૂરને પણ દિવસના અંતે 500 રૂપિયા મજૂરી આપવામાં આવે છે. ત્યારે સરકાર શિક્ષકોને ફક્ત માસિક 9 હજાર રૂપિયા આપી રહી છે. એક શિક્ષક બનવા માટે ટેટ-ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરવી જરૂરી છે. ત્યારે મહેનતથી પાસ કરી હોવા છતાં પણ સરકાર દ્વારા ઓરમાયું વર્તન ન કરતા જ્ઞાન સહાયક જેટલો જ પગાર આ શિક્ષકોને મળવો જોઇએ તેવી માગ કરવામાં આવી છે.