January 28, 2025

રાજ્ય સરકારની મોટી જાહેરાત, સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો

ગાંધીનગરઃ વર્ષ 2024ના અંતે રાજ્ય સરકારે ગુજરાતની જનતા અને ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગના મંત્રી કનુ દેસાઈએ ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડો કર્યો છે. આ ડિસેમ્બર સુધીમાં 2.85 રૂપિયા ટેરીફ લાગુ હતું. ત્યારે જાન્યુઆરી મહિનાથી 2.45 રૂપિયા ટેરીફ પ્રમાણે વીજ બિલ તૈયાર થશે, જેથી રાજ્યના કુલ 1 હજાર 120 કરોડ રૂપિયાનો ફાયદો ગ્રાહકોને થશે.

વર્ષ 2024ના અંતે રાજ્યના ઉર્જા પ્રધાને ગુજરાતના વીજ ગ્રાહકોને મોટો ફાયદો કરાવ્યો છે. રાજ્યના ઉર્જા પ્રધાને આજે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઓકટોબરથી ડિસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જનો દર 2.85થી ઘટાડીને 2.45 પ્રતિ યુનિટના દરની વસૂલાત કરવામાં આવશે. જેથી ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે 1120 કરોડનો લાભ થશે.

આ ઉપરાંત રાજ્યના ઉર્જામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફયુલ સરચાર્જના ઘટાડાને કારણે અંદાજે 46 રુપિયાની માસિક બચત થશે. ઓકટોબરથી ડિસેમ્બર 2024માં વસૂલાત પાત્ર FPPPAમાં 40 પૈસાના ઘટાડો, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલો ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-2024થી સપ્ટેમ્બર 2024ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલા ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી 2.85 રૂપિયા પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જની વસુલાત કરવામાં આવતી હતી.

રાજ્ય સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અસરકારક રીતે ફયુઅલ સરચાર્જનો દર જાળવી રાખ્યો છે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષ 24-25 દરમિયાન યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદના સંચાલન અને સ્થિર વીજ ખરીદના દરને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ગ્રાહકોના વિશાળ હિતમાં ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ 40 પૈસાનો ઘટાડો કરેલો છે. જે મુજબ તા. 1 ઓક્ટોબર 2024થી પ્રવર્તમાન ત્રિમાસિક સમયગાળા દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર ગ્રાહકોને પ્રતિ યુનિટ 40 પૈસાનો લાભ થશે.