September 8, 2024

સરકારી શિક્ષકો આનંદો, શિક્ષણ મંત્રીએ કરી મોટી જાહેરાત

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યના શિક્ષકોની બદલીના નીતિ-નિયમોને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી કે, આગામી ગુરુ પૂર્ણિમાના દિવસે રાજ્યમાં પ્રાથમિક શાળાઓનાં મુખ્ય શિક્ષકોની બદલીના નવા નિયમો જાહેર થશે. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીની આ જાહેરાત બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જાહેરાત કરી ન હતી. પરંતુ ગત દોઢ વર્ષ પહેલાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ આંદોલનકારી શિક્ષકોને આશ્વાસન આપીને બદલીના નિયમો ટૂંક સમયમાં નક્કી કરીને બદલી કરી દેવામાં આવશે તેવું જણાવ્યુ હતું. પરતું નવી સરકાર બન્યાને દોઢ વર્ષ થઈ ગયું હોવા છતાં સરકાર નવા બદલીના નિયમો જાહેર ન કરતા શિક્ષક કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. શિક્ષકોએ આ અંગે સરકાર સમક્ષ આંદોલનની ચીમકી આપી હતી. આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર કચેરીએ બઢતીના નિયમો અમલી કરવા માટે કલેક્ટરને રાજીનામું આપવાનો કાર્યકમ નક્કી કરવામાં આવ્યો હતો.

રાજ્યના શિક્ષકો કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરે તે પહેલાં રાજ્યના શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે, આગામી ગુરુ પૂર્ણિમાના દિવસે રાજ્યમાં પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવશે. જો કે, શિક્ષણ મંત્રીની જાહેરાત બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બદલીના નિયમોનું નોટિફિકેશન જાહેર કર્યું છે. જેવું નોટિફિકેશન જાહેર થતા તમામ શિક્ષકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.