વિદ્યાર્થિનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારની પહેલ, બે યોજના ચાલુ કરશે
અમદાવાદઃ ગુજરાત સરકાર વિદ્યાર્થિનીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે એક અનોખી યોજના લઈને આવી છે. જેમાં આર્થિક રીતે નબળા વર્ગની વિદ્યાર્થિની ઉચ્ચ ભણતર મેળવી શકે તે માટે સરકાર આર્થિક મદદ કરશે. જેને કારણે વિદ્યાર્થિનીઓને ભણવાનું છોડવું નહીં પડે અને ઉચ્ચ શિક્ષણ લઈ શકશે.
ગુજરાત સરકારની આ યોજનાનો લાભ ધોરણ 9થી 12ની વિદ્યાર્થિનીઓ લઈ શકશે. સરકાર તેમને નાણાકીય મદદ કરશે. હાલ 1650 કરોડ રૂપિયાની મંજૂરી સાથે મુખ્યમંત્રી યોજનાનો પ્રારંભ કરશે. ‘નમો લક્ષ્મી’ અને ‘નમો સરસ્વતી’ યોજનાનો પ્રારંભ કરવામાં આવશે.
નમો લક્ષ્મી યોજના હેઠળ જરૂર હોય તેવી વિદ્યાર્થિનીઓને 50 હજાર રૂપિયાની નાણાકીય મદદ કરશે. આ યોજનાથી 10 લાખ કન્યાઓના એકાઉન્ટમાં સહાય ચૂકવવામાં આવશે. જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ જરૂર હોય તેવી વિદ્યાર્થિનીઓને 25 હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે. ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થિનીઓને 25 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.
આ બંને યોજનાનો લાભ સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી બંને શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓને મળશે. આ યોજનાઓથી વાર્ષિક 15 લાખ જેટલી વિદ્યાર્થિનીઓને સહાય મળશે. જેનાથી તેઓ ઉચ્ચ અભ્યાસ કરી શકશે.