November 25, 2024

વડોદરાના પૂરગ્રસ્ત લોકો માટે રાજ્ય સરકારે કરી વળતરની જાહેરાત

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં પડેલા ધોધમાર વરસાદે ઘણા શહેરોને પોતાના બાનમાં લીધા હતા ત્યારે વડોદરા શહેરમાં તો મેઘરાજા કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આ દરમિયાન વડોદરા શહેર ઘણા દિવસો સુધી પાણી-પાણી રહ્યું હતું. જેના કારણે શહેરના અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા તો લોકોના માલસામાનને પણ નુકસાન પહોંચ્યું હતું, જે બાદ શહેરીજનોએ સરકાર પાસે વળતરની માગ કરી હતી. હવે આ મામલે ગુજરાત સરકારે વડોદરાના પૂરગ્રસ્ત લોકો માટે વળતરની જાહેરાત કરી છે. પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થતા સરકારે વળતરની જાહેરાત કરી છે. અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાના વેપાર-ધંધાર્થીઓને સહાય આપવાનો સરકારે નિર્ણય લીધો છે.

વડોદરા જિલ્લામાં તાજેતરમાં અતિભારે વરસાદથી આવેલા પૂરના કારણે ઘણાં વિસ્તારો અસરગ્રસ્ત થયા તેમજ વેપાર-વાણિજ્ય અને સેવાકીય એકમોને નુકસાન પહોંચ્યું છે. તકલીફની આ ઘડીમાં ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી અસરગ્રસ્તોની પડખે ઉભી છે. અસરગ્રસ્તોને પુન:વસનમાં મદદ થાય તેમજ વેપાર-ધંધા ઝડપથી પુન:કાર્યાન્વિત થાય તેવી લાગણી સાથે રાજ્ય સરકારે અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુન:વસન સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: લો બોલો! રાજ્યના વિદ્યાર્થીઓ માતૃભાષા ‘ગુજરાતીમાં પણ ઠોઠ’

આ પેકેજ અંતર્ગત, વડોદરાના પૂરગ્રસ્ત લારી/રેકડી ધારકને ઉચ્ચક રૂ.5,000 ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક રૂ.20,000 ની રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક રૂ.40,000 ની રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકને ઉચ્ચક રૂ.85,000 ની રોકડ સહાય તેમજ માસિક ટર્નઓવર રૂ. 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને રૂ. 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજસહાય 7% ના દરે રૂ. 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે. યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી બાદ હવે અસરગ્રસ્તોનું જીવન શક્ય તેટલી ઝડપથી પુન: થાળે પડે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.