October 5, 2024

સરકારની સૂચનાઃ ખાદ્ય એકમોએ કુકિંગ મીડિયમ પણ મોટા અક્ષરે લખવું પડશે

ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ગુજરાત રાજ્યના કમિશનરે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં આવેલા ખાણીપીણીના વિવિધ એકમોમાં શુદ્ધ, સલામત અને સ્વચ્છ ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં વખતો વખત વિવિધ ખાદ્ય પદાર્થો બનાવી વેચાણ કરતા એકમોમાં ભેળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

તાજેતરમાં તમામ હોટલ/રેસ્ટોરેન્ટ/ઢાબા/ભોજનાલય/ખાણીપીણીની નાસ્તાની લારીઓ વગેરેનાઓએ ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 અને તે અન્વયેના નિયમો 2011 અને રેગ્યુલેશનો અન્વયે ફૂડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સિંગ/ રજિસ્ટ્રેશન) રેગ્યુલેશન, 2011ની ખાદ્ય પરવાનાની શરતોમાં જણાવ્યા મુજબ તમામ એકમો દ્વારા ખાદ્યચીજ બનાવવા માટે જે કુકિંગ મીડિયમ (રાંધવાનું માધ્યમ) વાપરેલું હોય તે બાબતે સ્પષ્ટ શબ્દોમાં મોટા અક્ષરે જાહેર જનતાને વંચાય તે રીતે ફરજિયાતપણે નીચે મુજબની વિગતે બોર્ડ/પોસ્ટર લગાવવાનું થાય છે. ‘અહીં બનાવવામાં આવતો ખોરાક……………………….(કુકિંગ માધ્યમ)માંથી બનાવવામાં આવે છે.’

વધુમાં ખાદ્ય ચીજ જેવી કે, ભાજીપાઉં, સેન્ડવિચ, વડાપાઉં, રોટી વગેરે ઉપર લગાવવામાં આવતા ઘી/બટ૨/ટેબલ માર્ગેરિન/ફેટ સ્પ્રેડ જેવા માધ્યમનો ઉલ્લેખ અલગ બોર્ડ/પોસ્ટર પર જાહેર જનતાને સ્પષ્ટ વંચાય તે રીતે મોટા અક્ષરોમાં નીચે મુજબની વિગતે બોર્ડ/પોસ્ટર લગાવવાનું રહેશે. ‘અહીં બનાવવામાં આવતા ખોરાક ઉપર……………………….(ઘી/બટ૨/ટેબલ માર્ગેરિન/ફેટ સ્પ્રેડ ) લગાવવામાં આવે છે.’

જો ફૂડ બિઝનેસ ઓપરેટર દ્વારા દર્શાવેલા ઉક્ત માધ્યમ સિવાય અન્ય કોઈ માધ્યમમાં બનાવે/ખાદ્ય ચીજ ઉપર લગાવે કે પ્રદર્શિત કરે તો મિસલિડિંગ સહિતની જોગવાઈઓ અનુસાર નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે.