November 5, 2024

રાજ્ય સરકારે EVની સબસીડી બંધ કરી, હજારો વ્હિકલ ધૂળ ખાય છે!

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ મોંધવારીના સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો આસમાને પહોંચ્યા છે અને તેને કારણે લોકો ઇલેક્ટ્રીક વ્હીકલ તરફ વળ્યા હતા. માર્કેટ શેરની વાત કરવામાં આવે તો માર્કેટ શેર 6 ટકાએ પહોંચી ચૂક્યું હતું. પરંતુ જે રાજ્ય સરકાર દ્વારા સબસીડી બંધ કરી દેવામાં આવતા ઇવીના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. જેને લઇને EV ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યા છે.

એક તરફ સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ ઘટાડીને ઇવીના વપરાશ પર ભાર મૂકી રહી છે અને તે માટે તમામ ઇવી ખરીદનારા ચાલકોને સરકાર દ્વારા સબસીડી આપવામાં આવતી હતી. પરંતુ ગત ઓક્ટોબર મહિનાથી ગુજરાત સરકાર દ્વારા સબસીડી બંધ કરી દેવામાં આવતા ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદનારની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત 2023માં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ 88,615 વાહનો વેચાયા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 44,913 જ વાહનોનું વેચાણ થયું છે. ખાસ કરીને ટુ-વ્હીલરમાં સરકારે સબસીડી બંધ કરી દેતા વાહનોના વેચાણમાં 50%નો ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2023માં 1 જાન્યુઆરીથી 25 સપ્ટેમ્બર સુધીમાં ઇવી ટુ વ્હીલરનું વેચાણની વાત કરવામાં આવે તો 4,885 ટુ-વ્હીલર વેચાયા હતા. જ્યારે ફોર વ્હીલર 312 અને થ્રી વ્હીલર 78 જેટલા વાહનો વેચાયા હતા. જ્યારે વર્ષ 2024ની વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરીથી 25 સપ્ટેમ્બર સુધીમા ઇવી ટુ-વ્હીલરો 3,460નું રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે ફોર વ્હીલરમાં 307 અને થ્રી વ્હીલર રિક્ષામાં 157 ઈવીનું રજિસ્ટ્રેશન થયું છે. એટલે કહી શકાય કે, સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હતી, ત્યાં સુધી ટુ વ્હીલર ઇવી વાહનોનું વેચાણ વધુ થતું હતું. પરંતુ જ્યારથી સબસિડી બંધ થઈ છે ત્યારથી ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇવી વેચાઈ રહ્યા છે. ઓટો ડિલરે માગ તરીકે કે સરકારે સબસીડીની સંખ્યામાં ફેરફાર કરવો જોઈએ. સરકારે બજેટમાં 1.10 લાખ ટુ-વ્હીલરને, 20 હજાર કાર્સ અને 70 હજાર થ્રી-વ્હિલર માટે ફાળવાવમાં આવનારા હતા. જેમાં ટુ-વ્હીલરની સબસીડી પૂર્ણ થઈ છે. જ્યારે કાર્સ 10 હજાર નોંધાઈ છે. આ ઉપરાંત રિક્ષા પણ 10 હજાર ન વેચાતા સબસીડી ટુ-વ્હીલરમાં ટ્રાન્સફર માટે સરકારમાં ઓટો ડિલર્સે રજૂઆત કરી છે.

EV વાહનોનાં વેચાણમાં ઘટાડો થતાં ચાર્જિંગ સ્ટેશન ધૂળ ખાઈ રહ્યા છે. અમદાવાદમાં ખાનગી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક જગ્યા ઉપર ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ એકલદોકલ લોકો જ તેનો ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં કુલ 12 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન હાલ કાર્યરત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે વધુ 27 જેટલા નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવા અંગેની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. આમ કુલ અત્યારે 39 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 27 જેટલા ચાર્જિંગ સ્ટેશન ઉપર છ મહિના સુધી ફ્રી ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેને કારણે વધુમાં વધુ લોકો ઇવીનો ઉપયોગ કરી શકે અને નવા વાહનો ખરીદી શકે પરંતુ સબસીડી બંધ કરી દેવાતા લોકો EV વાહનો ખરીદવાનો ટાળી રહે છે.