May 20, 2024

મહિલા-બાળ વિકાસ કેન્દ્રની મહિલાઓ જ પીડિત, વારંવાર રજૂઆત છતાં ‘જૈસે થે’!

gujarat government employees Women and Child Development Center

મોટી સંખ્યામાં કર્મચારીઓએ પગાર વધારા મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ કામ કરતી વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની મહિલાઓ જ આજે પીડિત હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007માં શરૂ કરાયેલી આ વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાં કામ કરતી મહિલાઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પીડિત શોષિત આર્થિક તેમજ કાનૂની સમસ્યાઓ અને તેને સંલગ્ન બાબતોની જાણકારી આપે છે. પરંતુ આજે પાંચ મહિલાઓ પોતાના પગાર વધારવા મુદ્દે રાજ્યના મહિલા અને બાળ વિભાગના મંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે.

વર્ષ 2007માં રાજ્ય સરકારે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરી હતી. જો કે, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ 260 વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, આ કેન્દ્રમાં કામ કરતી મહિલાઓનો ઉદ્દેશ્ય હતો કે, સમાજમાં દુઃખી અને સામાજિક તેમ જ આર્થિક રીતે સહાય વિનાની મહિલાઓને આશ્રય તેમજ જીવન જરૂરિયાત પ્રાથમિક સેવાઓ પૂરી પાડવાનું હતું. આ ઉપરાંત આ કેન્દ્રની મહિલાઓ મહિલાઓના રક્ષણ તથા તેમના પરિવાર દ્વારા આપવામાં આવતી પીડા દૂર કરવાની મહત્વની કામગીરી કરતા હતા, પરંતુ આજ મહિલાઓ અત્યારે રાજ્ય સરકારથી પીડિત હોય તેમ પોતાની વેદના રજૂ કરવા માટે ગાંધીનગર ખાતે એકત્રિત થયા હતા.

ગાંધીનગરમાં એકત્રિત થયેલ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની મહિલાઓએ સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે, સરકાર તેમના માસિક વેતનમાં વધારો કરે. હાલ આ કેન્દ્રમાં કામ કરતી મહિલાઓની અલગ અલગ હોદા પ્રમાણે અલગ અલગ પ્રકારનું વતેન આપવામાં આવે છે. જેમાં કેન્દ્ર સંચાલકને 4500 રૂપિયા પગાર આપવામાં આવે છે. જ્યારે સામાજિક કાર્યકર 3 હજાર રૂપિયા પગાર ચૂકવાય છે. જ્યારે મદદનીશ સામાજિક કાર્યકર 2 હજાર રૂપિયા પગાર ચૂકવાય છે.

આ સિવાય ક્લાર્ક કમ કોમ્યુટર ઓપરેટરને 1500 રૂપિયા માસિક પગાર ચૂકવાય છે. જો કે હાલ રાજ્ય સહિત દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને આ મોંઘવારી વચ્ચે આટલો પગાર ખૂબ ઓછો કહેવાય તેમ છે. જેથી પગાર વધારવા મુદ્દે વારંવાર રજૂઆત કરી છે. પરંતુ સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય કર્યો નથી. જેથી આજે રાજ્યના મહિલા અને બાલ વિકાસના મંત્રી સમક્ષ રજુઆત કરી પગારનો દર વધારવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.