September 19, 2024

GMERS મેડિકલ કોલેજોની ફી વધતા 700થી વધુ વિધાર્થીએ પકડી વિદેશની વાટ

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્યની 13 GMERS કોલેજમાં ફી વધારો ઝીંકી દેવામા આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જેને લઇને રાજ્યના 700થી વધુ વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસઅર્થે જાય તેવા પરિબળોનુ નિર્માણ થયુ છે. રાજ્યમાં આવેલી GMERS કોલેજોમાં ફીમાં 87 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામા આવતા વાલીઓનુ બજેટ ખોરવાયુ છે. જેને કારણે વાલીઓએ હવે વિદેશની કોલેજો માટે ઇન્કવાયરી શરૂ કરી છે.

NEETમાં થયેલ કૌભાંડની સુનવણી સુપ્રિમ કોર્ટમા ચાલી રહી છે ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે મેડિકલ કોલેજોની ફી વધારી દેતા બળતામાં ધી હોમાયું છે. ફી વધારો કરવામાં આવતા વાલીઓનુ બજેટ ખોરવાયું છે. રાજ્યમાં સોલા સિવીલ, ગાધીનગર સીવીલ, વડોદરા, પાટણ, વડનગર, વલસાડ, સહીત 13 GMERS કોલેજોની ફીમાં વધારો ઝીંકી દેવામા આવ્યો છે. પરંતુ તે ફીથી વિદ્યાર્થીઓની સુવિધાઓમાં શું વધારો કરવામા આવશે તે અંગે સરકારે કોઇ ફોળ પાડ્યો નથી. વધતી જતી ફીને લઇને વાલીઓ હવે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા જઇ રહ્યા છે.

આગામી એક થી બે દિવસમાં વાલીઓ હાઇકોર્ટમા ફી વધારાને લઇને પિટીશન દાખલ કરનાર છે. કારણ કે, સરકારી ક્વોટાથી લઇને NRI ક્વોટા સુધીમાં 67 થી 87 ટકા ફી વધારો ઝીંકી દેવામા આવ્યો છે. મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટાની 1500 જેટલી સીટો પર 3.30 લાખથી 5.50 લાખ જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની 210 સીટો માટે ફીમાં 9 લાખથી 17 લાખ જ્યારે NRI ક્વોટાની 315 સીટો માટે ફી વાર્ષીક 22 હજાર ડોલરથી વધારીને સીધી 25 હજાર ડોલર કરી દેવામા આવી છે.

મેડિકલ નિષ્ણાંત અને કેરિયર કાઉન્સીલર ડો. ઉમેશ ગુર્જરે ન્યુઝ કેપીટલ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે જે રીતે સરકારે ફી વધારી છે તેનાથી વાલીઓનુ બજેટ ખોરવાયુ છે. સરકારે અગાઉથી જાણ કરવાની હતી કે આગામી એક કે બે વર્ષ પછી ફીમાં વધારો કરવામા આવશે અને તેમાં પણ 10 ટકા ફી વધારો ગ્રાહ્ય છે પરંતુ જે રીતે ફી વધારો કરવામા આવ્યો છે તે કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખી શકાય નહી.

ફી વધારાની અસરથી વિદ્યાર્થીઓ વિદેશ તરફી દોટ મુકે તો પણ નવાઇ નહી કારણ કે 3.30 લાખ રૂપિયામાં વિદેશની અનેક કોલેજોમાં એડમિશન મળી શકે છે.ઉમેશ ગુર્જરે જણાવ્યુ હતુ કે 2200 પૈકી 1100 જેટલા વિદ્યાર્થીઓ પાસે રૂપિયા નથી અને તેને જ કારણે તે સરકારી ક્વોટામાં એડમિશન લેવા માટે મહેનત કરે છે વિદેશની વાત કરવામા આવે તો 2021ની ગાઇડલાઇન મુજબ બેલારૂસ, પોલેન્ડ, જર્મની, રશિયા, લાટીવીયા, લિથવેનિયા સહીતના દેશો એડમિશન આપે છે અને તેની વાર્ષીક ફી 3 લાખથી લઇને 3.5 લાખ રૂપિયા આસપાસ હોય છે. અને વિદેશના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા 15 લાખની લોન આપવામા આવે છે જેથી વાલીઓને ખુબ જ જુજ ખર્ચો ભોગવવા તૈયાર રહેવુ પડે છે. જેના કારણે આ વર્ષે ગુજરાતના જ 700 જેટલા વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જશે અને ફીના ચક્કરમાં આપણુ ધન વિદેશમાં જશે.