રાજ્યમાં ગૌશાળાની જમીન કૌભાંડ મુદ્દે CID ક્રાઇમમાં ફરિયાદ, 4 સ્વામી સહિત 4 દલાલ સામે FIR
અમદાવાદઃ રાજ્યમાં ગૌશાળાની જમીન કૌભાંડ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. CID ક્રાઈમમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 4 સ્વામિનારાયણ સાધુઓ અને 4 દલાલોએ નાટક રચી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, જે જમીન લેવડાવી હતી એ પણ માત્ર કાગળ પર જ હતી. ભુપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ખેડૂત તરીકે ઓળખ આપી હતી. જો કે, બન્ને કથિત ખેડૂતો સ્વામીના મળતિયા હતા. 6 સ્વામી અને 2 જમીન દલાલોએ જમીન લઈ પૈસા આપ્યા નહોતા. બાયડ પાસેની લિંબ ગામની 500 વીઘા જમીન બાબતે ફરિયાદ નોંધાઈ છે.
ધાર્મિક સ્થાન બનાવવા જમીનની માગણી કરી હતી. ફરિયાદી પાસે ખેડૂતોની 1.11 કરોડ રૂપિયાની જમીન ખરીદી લેવામાં આવી હતી. જમીન માલિક પાસેથી જમીન લઈ 21 લાખની રકમ આપી હતી. ત્યારબાદ સ્વામી અને જમીન દલાલોએ બાકીની રકમ આપી નહોતી. ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને CID ક્રાઈમે આ મામલે ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે.
કોની કોની સામે નોંધાયો ગુનો?
- દેવ પ્રકાશ સ્વામી ઉર્ફે દેવ પ્રિય સ્વામી
- માધવ પ્રિય સ્વામી ઉર્ફે એમ પી સ્વામી
- વિજય પ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી
- જય શ્રીકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી સામે ફરિયાદ
- ભુપેન્દ્રભાઈ સનાભાઇ પટેલ
- વિજયસિંહ આલુસિંહ ચૌહાણ
- સુરેશભાઈ તુલસીભાઈ ધોરી
- લાલજીભાઈ બાબુભાઈ ઢોલા