અમદાવાદના દાણીલીમડા ખાતે બનશે ગુજરાતનું પ્રથમ સીએનજી ડોગ સ્મશાન

દિપેન પઢીયાર, અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વખત ડોગ સ્મશાન બનશે, અમદાવાદ મહાનગરપાલિકાના દાણીલીમડા ખાતે આવેલા કરુણા મંદિરમાં એક સાથે બે ડોગની અંતિમક્રિયા થઇ શકશે. તે માટે સીએનજી ડોગ સ્મશાન બનાવવામાં આવશે.

રાજ્યમાં અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ મહાનગરપાલિકા હશે કે જે ડોગ અને કેટ માટે સ્મશાન તૈયાર કરશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 લાખના ખર્ચે દાણીલીમડા કરુણા મંદિર ખાતે CNG ડોગ સ્મશાન બનાવવામાં આવશે. શહેરમાં મૃત્યુ પામતા કુતરાઓને સ્મશાન ખાતે લાવી તેની અંતિમક્રિયા કરવામાં આવશે. તો આ સાથે શહેરના શ્વાન પાલકો પણ તેમના ડોગ કે કેટના અંતિમ સંસ્કાર માટે આ સ્મશાનનો ઉપયોગ કરી શકશે. સ્મશાનમાં સીએનજી ભઠ્ઠી હોવાના કારણે એક સાથે બે ડોગની અંતિમ ક્રિયા થઈ શકશે. જે લોકો પોતાના શ્વાનના અંતિમ સંસ્કાર કરવા માંગતા હશે તેના માટે ડેડબોડી વાનની પણ વ્યવસ્થા કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. હાલ જે રીતે માણસો માટે ડેડબોડી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે રીતે કેટ અને ડોગ માટે પણ ડેડ બોડીવાનની સેવા શરૂ કરવામાં આવશે.

અમદાવાદમાં કુલ 60 હજારથી વધુ પાળતું શ્વાન છે. જેમાં મનપામાં 5 હજાર ડોગના રજિસ્ટ્રેશન થયા છે અને હજુ રજીસ્ટ્રેશન ચાલુ છે. પ્રાથમિક તબક્કે પહેલા પાલતું શ્વાન અને કેટ માટે આ સીએનજી ભટ્ટી સ્મશાન બનાવામાં આવી રહ્યું છે જે 3 મહિનામાં તૈયાર થશે. અત્યાર સુધી પાલતું ડોગનું મરણ થાય તો બારીયલ પદ્ધતિ કે ખાનગી વ્યક્તિ મારફતે નિકાલ કરવામાં આવતો હતો. જો પેટ માલિક મનપાનો સંપર્ક કરે તો એનિમલ ડેડબોડી વાન મારફતે કાર્કસ ડેપો ખાતે તેનો નિકાલ કરવામાં આવતો હતો.

અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ ડોગની સંખ્યા પણ ખૂબ વધુ છે. જેના કારણે જો સ્ટ્રીટ ડોગ મરણ થાય તો આગામી સમયમાં તેની પણ અંતિમક્રિયા થઇ શકે તે માટે મનપા વિચારણા કરી રહ્યું છે.