December 22, 2024

CM ભૂપેન્દ્ર પટેલનો 63મો જન્મદિવસ, જાણો તેમની સાથે જોડાયેલી જાણી-અજાણી વાતો

અમદાવાદઃ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 63મો જન્મદિવસ છે. અમદાવાદમાં જ જન્મેલા અને દરિયાપુરની કડવા પોળમાં 15મી જુલાઈ, 1962નાં દિવસે તેમનો જન્મ થયો હતો અને અહીં જ તેમનો ઉછેર થયો હતો. પોળમાં જન્મેલા હોવાથી તેમને લોકો કડવા પોળના લાડકવાયાં તરીકે પણ ઓળખે છે. ઘાટલોડિયા વિધાનસભાના લોકો ભૂપેન્દ્ર પટેલને દાદાના હુલામણા નામથી પણ ઓળખાય છે. ઘાટલોડિયા વિધાનસભામાં અને અમદાવાદ શહેરના રાજકીય વર્તુળમાં CM ભૂપન્દ્ર પટેલ વિવેકી, નમ્ર, સૌજન્યશીલ નેતા તરીકે જાણીતા છે.

તેમણે ધી ન્યૂ હાઈસ્કૂલમાં માધ્યમિક સુધીમાં અભ્યાસ કર્યો હતો. એપ્રિલ 1977માં ગુજરાત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હતું. જેબી શાહ જ્યોતિ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. અમદાવાદની સરકારી પોલિટેક્નિકમાંથી ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો હતો. કોલેજ કાળથી જ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. અભ્યાસની સાથે સાથે RSS સાથે સંકળાયેલા રહ્યા હતા.

તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો, તેઓ વર્ષ 1987થી ભાજપ અને RSS સાથે જોડાયા હતા. મેમનગરમાં સંઘની પંડિત દિનદયાળ લાયબ્રેરી સાથે જોડાયેલા રહ્યા હતા. નવા વિકસી રહેલા અમદાવાદમાં રહેવા આવ્યા ત્યારબાદમાં જ ભૂપેન્દ્ર પટેલની સાચી રાજકીય પારીની શરૂઆત થઈ હતી. મેમનગર નગરપાલિકામાંથી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. 1995માં મેમનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા હતા. 1999-2000 અને 2004-2006માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા.

મેમનગર અમદાવાદ નગરપાલિકામાં ભળ્યા બાદ થલતેજથી જીત મેળવી 2008-10માં સ્કૂલ બોર્ડના ચૅરમેન બન્યા હતા. વર્ષ 2010-15 દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા. વર્ષ 2015થી 2017 સુધી AUDAના ચેરમેન તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ વર્ષ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ 2021માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

તેમના સામાજિક જીવનની વાત કરીએ તો, વર્ષ 1982માં તેમણે અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું અને બાદમાં બિલ્ડર બન્યા હતા. સામાજિક રીતે સરદારધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સાથે પણ જોડાયેલા રહ્યા છે. સરદારધામ વિશ્વ પાટીદાર સંસ્થાના ટ્રસ્ટી પણ છે અને RSS સાથે પણ સંકળાયેલા નેતા છે.

અનેક પડકારો વચ્ચે સ્થિતપ્રજ્ઞ બની કામ કર્યું
CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ સામે મોટા પડકારો પણ આવ્યા હતા. CM બન્યા બાદ બોટાદ લઠ્ઠાકાંડ, મોરબી બ્રિજ, હરણી બ્રિજ દુર્ઘટના અને હાલની રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ જેવી દુર્ઘટનાઓ બની હતી. આટલી મોટી દુર્ઘટનાઓમાં પણ ભૂપેન્દ્ર પટેલ સીધી રીતે સંકળાયેલા રહ્યા હતા. મોટી દુર્ઘટનાઓમાં કલાકોમાં જ ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પીડિતો સાથે હોસ્પિટલોમાં પણ મુલાકાત કરી હતી. તેમને ન્યાયનું આશ્વાસન આપ્યું હતું. સરકાર તેમની સાથે ઊભેલી છે તેવો અહેસાસ પણ કરાવ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય આંદોલનને ડામવા પણ મોડી રાત સુધી નિવાસસ્થાને ક્ષત્રિય સમાજના લોકો સાથે બેઠક કરી વચ્ચેનો રસ્તો કાઢવા પ્રયાસ કર્યા હતા.

PM મોદીએ પણ જાહેર મંચ પરથી વખાણ્યા
લોકસભાની ચૂંટણી સમયે તો PM મોદીએ CM ભૂપેન્દ્રના વખાણ કર્યા હતા. પરંતુ વિધાનસભા ચુંટણી સમયે પણ PM મોદીએ ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્ક્મ મુખ્યમંત્રી ગણાવ્યા તો સાથે એવી પણ વાત કરી કે, દિલ્હીમાં નરેન્દ્ર અને ગુજરાતમાં ભૂપેન્દ્ર.

મુખ્યમંત્રીને રમત ગમતનો પણ શોખ
રાજકીય વ્યક્તિ અને એમાં પણ ગુજરાત રાજ્યના મુખિયા એટલે અન્ય એક્ટિવિટી માટે સમય ઓછો મળે છતાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ક્રિકેટ અને બેડમિન્ટનનો શોખ ખરો. ઘણી વખત આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ક્રિકેટ મેચ રમતા પણ જોયા છે. મુખ્યમંત્રી બન્યા બાદ જ તેમણે કહ્યું હતું કે, આપણે T20 રમવા માટે નથી આવ્યા પણ ટેસ્ટ મેચ રમવા માટે આવ્યા છીએ.