December 23, 2024

ચાંદીપુરમ વાયરસ અંગે આરોગ્ય મંત્રીએ કહ્યું – ગભરાવવાની જરૂર નથી

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચાંદીપુરમ વાયરસ દેખાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજ્યમાં ચાંદીપુરમના 12 કેસો દેખાયા છે. જેમાંથી 6 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે બાકીના 6 દર્દીઓ સારવાર હેઠળ છે. હાલ રાજ્યના આરોગ્ય વિભાગે સારવાર હેઠળ રહેલા દર્દીઓને સેમ્પલ લઈને પુણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. જો કે, રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ પ્રકારના વાયરસ દેખાતા રાજ્યના આરોગ્ય મંત્રીએ લોકોને ગભરાવવાની જરૂર નથી તેમ કહી તેમને આશ્વાસન આપ્યું છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરલ એનકેફેલાઇટીસ રોગથી ગભરાવવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી તેવી અપીલ રાજ્યના આરોગ્ય મંત્રીએ લોકોને કરી છે. આ કોઇ નવો રોગ નથી . સામાન્ય પણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે વેકટર-અસરગ્રસ્‍ત સેન્‍ડ ફ્લાયના કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરનાં બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવો આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ ચાંદીપુરમ વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 5નાં મોત; રિપોર્ટ પર સૌની નજર

રાજ્યમાં હાલ આ રોગની સ્થિતિ વિશે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરમના 12 જેટલા શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેમાંથી 6 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં 4 , અરવલ્લી જિલ્લામાં 3, મહીસાગર અને ખેડા જિલ્લામા એક-એક શંકાસ્પદ કેસ જ્યારે રાજસ્થાનના 2 દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીએ ગુજરાતમાં સારવાર મેળવી છે. આમ કુલ 12 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામના સેમ્પલ પૂણેની લેબમાં પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેનું પરિણામ સરેરાશ 12થી 15 દિવસમાં આવે છે.

ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ 6 મૃત્યુ રાજ્યમાં નોંધાયા છે. પરંતુ સેમ્પલનું પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરમ રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે. ચાંદીપુરમ રોગ ચેપી નથી, પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઈ હતી. જેના પરિણામે અત્યાર સુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રિનિંગ કર્યું છે.

સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કર્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જરૂર રાખવા જણાવ્યું છે અને પ્રાથમિક લક્ષણો જણાય આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.