February 23, 2025

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જાહેરાત, જાણો તમામ માહિતી

ગાંધીનગરઃ રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે. તે અંગર્ગત નાણામંત્રીએ બજેટમાં આરોગ્ય વિભાગ માટે 20,100 કરોડના બજેટમાં 16.35%નો વધારો કરી 23,385 કરોડની જોગવાઇ સૂચવી છે.

  • વર્ષ 2023-24ના નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલા Good Health and Well Being (SDG Index No.3) માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2.67 કરોડ લોકોને કેશલેસ સારવાર માટે 3676 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • G.M.E.R.S. સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે 1372 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આરોગ્ય સુવિધાઓના સુદૃઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોનવાઇઝ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના અમારા નિર્ધાર અન્વયે વડોદરા ખાતે મલ્ટી સ્પેશિયાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધિન છે. આ ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ, રાજકોટ ખાતે કેન્સર અને કાર્ડિયાક સેવાઓ, ગાંધીનગર ખાતે કાર્ડિયાક, કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા 231 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્‍સર રિસર્ચ ઇન્‍સ્ટીટ્યૂટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા ઉપલબ્ધ બને તે માટે વલસાડ, ગોધરા, હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા 198 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • બીજે મેડીકલ કોલેજ-અમદાવાદ, મેડીકલ કોલેજ-વડોદરા અને એમપી શાહ મેડીકલ કોલેજ-જામનગરમાં પીજીના વિધાર્થીઓ માટે હોસ્ટેલનું બાંધકામ કરવા 137 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલોમાં તાત્કાલિક સારવારની સેવાઓ સુદૃઢ કરવા 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા માટે 52 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • એમ્બ્યુલન્સની સુવિધા સુદૃઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ માટે 48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • સુરત અને વડોદરા ખાતે ગાયનેક, પિડીયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ આઈસીયુ, ઓબ્સેટ્રેટિક આઈસીયુ, ગાયનેક આઈસીયુ વગેરેની સેવાઓ તથા પિડીયાટ્રીક સર્જરી વિભાગ શરૂ કરવા માટે 44 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • નર્સિંગ કોલેજ, સુરત અને જામનગર ખાતે વિધાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા 41 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્ર માટે ગાંધીનગર-અમદાવાદ ખાતે ખોરાક અને ઔષધના નમૂના તેમજ જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે ખોરાકના નમૂનાઓની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઊભી કરવા 28 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ગવર્મેન્‍ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યૂટ, અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી, ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોટીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઔષધના નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવા માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
  • આયુષ સેવાઓ અદ્યતન બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ, હોસ્પિટલો તથા દવાખાનામાં તબીબી ઉપકરણો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.