January 1, 2025

પરીક્ષાની કામગીરીમાં ન જોડાનારા શિક્ષકોને દંડ ફટકારતા શાળા સંચાલક મંડળ ખફા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષકો અને સંસ્થાઓને દંડ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે શાળા સંચાલક મંડળ ખફા છે અને તેમણે બોર્ડના ચેરમેનને પત્ર લખીને તેમાં રાહત આપવા જણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, પહેલા શાળાઓના પૂરતા શિક્ષકો આપવામાં આવે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા બાદ પરિક્ષણની કામગીરી શાળાના શિક્ષકોને સોપવામાં આવતી હોય છે. ત્યારે અમુક શિક્ષકો પરિક્ષણની કામગીરીમાં ઉપસ્થિત રહેતા નથી. અમુક કિસ્સાઓમાં શાળામાં શિક્ષકોની ઘટ હોવાને કારણે શૈક્ષણિક કાર્ય ખોરવાતું હોવાને કારણે સંચાલકો શિક્ષકોને મોકલતા નથી. પરિક્ષણની કામગીરીમાં ન જોડાયેલા શિક્ષકો અને સંચાલકોનું હીયરિંગ ચાલી રહ્યું છે. તેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બોર્ડના આ પ્રકારના નિર્દેશથી શાળા સંચાલકો ખફા છે અને તેમણે બોર્ડમાં સમગ્ર મામલે રજૂઆત કરી છે.

ન્યુઝ કેપિટલ સાથેની વાતચીતમાં અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના મહામંત્રી અલ્કેશ પટેલે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ મુજબ ગુજરાતની તમામ ગ્રાન્ટેડ શાળાઓમાં માન્ય વર્ગો કરતાં રેશિયા મુજબ મોટાભાગની શાળાઓમાં શિક્ષકો તથા આચાર્યની ઘટ વર્તાઈ રહી છે અને આજે પણ અનેક શાળાઓમાં જ્ઞાન સહાયક હાજર થયેલા ન હોવાથી એ જ પરિસ્થિતિ છે. આ સાથે પરીક્ષણ કાર્ય દરમિયાન જ તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય, વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોવાથી જે-તે શાળાના તમામ શિક્ષકોને પરીક્ષણ કાર્યમાં બોલાવવામાં આવતા હોય ત્યારે શાળાના સુચારું વહીવટ માટે તમામ શિક્ષકોને છૂટા કરવામાં આવતા નથી. જેથી શાળાને એ પ્રકારે કરવામાં આવતા દંડમાંથી મુક્તિ આપવી જોઇએ.

શાળાના શિક્ષકો પરીક્ષણ કાર્યમાં જોડાયેલા હોય છે. ત્યારે શાળામાં શિક્ષકો હાજર ન હોવાથી દરરોજ વાલીઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડતું હોય છે. તેની અસર પણ શાળાના રેપ્યુટેશન ઉપર પડતી હોય છે. આ બાબતે ચોક્કસ વ્યવસ્થા ઊભી કરીને શાળામાં કામ કરતા શિક્ષકોમાંથી કેટલા શિક્ષકોને પરીક્ષણ કાર્યમાં મોકલી શકાય તે નક્કી કરવું જોઈએ તેમ મંડળનું માનવું છે. આ સાથે સાથે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક કર્મચારીઓ વર્ષે વર્ષે એક શાળામાંથી અન્ય શાળામાં સ્થળાંતર કરતા હોય છે તથા જ્ઞાન સહાયક તરીકે અન્ય સંસ્થામાં ગયેલા હોય છે, જેથી તેવા કર્મચારી પરીક્ષણ કાર્યમાં હાજર ના રહે, તો તેની જવાબદારી શાળા ઉપર નાંખી ના શકાય એના માટે આગોતરું આયોજન કરીને શિક્ષકોને પરીક્ષણ કાર્યમાં જોડવા જોઈએ.