ગુજરાતની બે બેઠક પર ઉમેદવાર બદલાયાં, વડોદરામાં હેમાંગ જોષીને મેદાનમાં ઉતાર્યા
અમદાવાદઃ ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન યોજાવવાનું છે. ત્યારે ભાજપની પાંચમી યાદીમાં ગુજરાતના 6 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં વડોદરા અને સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 બેઠક પર પણ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી માટે ભાજપે ગુજરાતની 6 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવાર બદલ્યાં છે. જ્યારે જૂનાગઢથી રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, તો કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા અને નારણ કાછડિયાની ટિકિટ કપાઈ છે. સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરાના સ્થાને ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમરેલીથી નારણ કાછડિયાના સ્થાને ભરત સુતરિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. આ પહેલાં ભાજપે 13મી તારીખે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 7 ઉમેદવારોના નામ હતા.
આ પણ વાંચોઃ BJPના સાબરકાંઠાથી નવા જાહેર કરાયેલા શોભનાબેન બારૈયા કોણ છે?
ભાજપે નવી યાદીમાં બે જગ્યાએ ઉમેદવાર બદલ્યાં છે. જેમાં વડોદરા સીટ માટે પહેલા જાહેર થયેલા ઉમેદવાર રંજન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોષીને ટિકિટ આપી છે. જ્યારે સાંબરકાંઠા સીટ પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. આમ વડોદરામાં મહિલા ઉમેદવાર બદલી પુરુષ ઉમેદવાર જ્યારે સાબરકાંઠામાં પુરુષ ઉમેદવાર બદલી મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. આ સાથે જ ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર થઈ ગયા છે. કોંગ્રેસે હજુ 8 સીટ પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા.