November 24, 2024

બજેટને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું: ભાજપે ગણાવ્યું સર્વાંગી બજેટ, કોંગ્રેસે ગણાવ્યું સત્તા બચાવવા માટેનું બજેટ

મલ્હાર વોરા, ગાંધીનગર: કેન્દ્રમાં મોદી સરકારે ત્રીજી વખત સત્તા હાંસલ કર્યા બાદ આજે લોકસભા ગૃહમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ બજેટને લઈને ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે, કોંગ્રેસ આ બજેટને સત્તા બચાવવા માટેનું બજેટ ગણાવી રહ્યું છે. તો, ભાજપના નેતાઓ સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનું કહેવું છે કે આ બજેટ સર્વાંગી વિકાસ કરતો અને સામાન્ય વર્ગને સ્પર્શતું બજેટ છે.

લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનું સુકાન સંભાળ્યું છે. ત્યારે હાલ દિલ્હીમાં ચાલી રહેલા ચોમાસા સત્ર દરમિયાન નરેન્દ્ર મોદી સરકારમાં રહેલા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. જોકે, બજેટ બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓના બજેટ મુદ્દે પ્રતિક્રિયા આવવા લાગી છે. જેમાં ભાજપના નેતાઓ આ બજેટને સર્વાગી વિકાસવાળું બજેટ ગણાવી રહ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું રજૂ કરાયેલું આ બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે. એટલું જ નહિ, આ બજેટ સતત ત્રીજીવાર વડાપ્રધાન નેતૃત્વમાં જનતા જનાર્દને મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ રજૂ કરતું બજેટ છે, વડાપ્રધાન ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના સર્વાંગી વિકાસ આધારિત વિકાસની જે સંકલ્પના હતી તેને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા આ બજેટમાં ઝળકે છે, સાથે સાથે રોજગાર, કૌશલ્ય, વિકાસ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી સિક્યુરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે, દેશની આઝાદીની શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈની સાથે આગામી વર્ષોમાં 4.1 કરોડ યુવાઓ માટે 5 નવી યોજનાઓ શરૂ થવાની છે. આ યોજનાઓથી દેશની યુવા શક્તિને રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમીતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે.

તો બીજી તરફ, કોંગ્રેસ આ બજેટ નિરાશાજનક ગણાવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બજેટ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું બજેટ દેશની જનતાને રાહત આપવાના જગ્યાએ ખુરશી બચવાનું બજેટ છે. બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને વધુ પ્રધાન્ય આપતું બજેટ છે. આ બજેટમાં ગુજરાત રાજયને કશું મળ્યું નથી. વડાપ્રધાન ગુજરાત રાજ્યના હોવા છતાંય ગુજરાત રાજ્યને બજેટમાં અન્યાય થયેલ છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં રહેલ કોંગ્રેસના વડાપ્રધાનને પત્ર લખીને નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના બનાવવાની માગ કરતા હતા. પરતું, હવે નરેન્દ્ર મોદી છેલ્લા 10 વર્ષથી વડાપ્રધાન છે તેમ છતાંય નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના તરીકે કેમ જાહેર કરતા નથી. આ ઉપરાંત અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડુમથક બનાવવાની માગ કરતા હતા. તો તેમની સરકારમાં કેમ આ મુદ્દે નિર્ણય કરતા નથી. આ બેજટમાં કોંગ્રેસના મૅનિફેસ્ટોમાં રહેલા મુદ્દાઓને પ્રધાન્ય આપ્યું છે. યુવાનો, બેરોજગાર, નાના ઉધોગ, મહિલા, ખેડૂતો કે પછી વેપારીને નુકસાન કરતું બજેટ છે .

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના બજેટ જાહેર થયા બાદ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ બજેટ મુદ્દે સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. ત્યારે ભાજપ પક્ષ આ બજેટ ને દેશના વિકાસનું એન્જીન ગ્રોથને વધુ મજબૂત કરતું બજેટ ગણાવી રહ્યા છે.