November 23, 2024

ગુજરાત ATSની મોટી કાર્યવાહી, ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી દિલ્હીથી ઝડપાયો

મિહિર સોની, અમદાવાદઃ ગુજરાત ATSએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી અફઘાનિસ્તાનના નાગરિકની ધરપકડ કરીને હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. ATSએ નાઇઝીરિયન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ નેટવર્કનું કનેક્શન ઝડપ્યું છે. ગુજરાતના વેરાવળ દરિયાકિનારે ડ્રગ્સનું કન્સાઇમેન્ટ આવ્યું હોવાનો ખુલાસો થયો છે.

ગુજરાત ATSએ ડ્રગ્સની હેરાફેરી કરતા વધુ એક ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી હતી. ATSએ દિલ્હીથી અફઘાની નાગરિક મહંમદ યાસીનની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ દ્વારા દિલ્લીથી ડ્રગ્સની હેરાફેરી કરવા આવેલા અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ યાસીનને ઝડપીને તેની પાસેથી 460 ગ્રામ હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો છે. આ ડ્રગ્સ માફિયા મોહમ્મદ યાસીનએ પાકિસ્તાન ડ્રગ્સ માફિયા સાથે મળીને હેરોઇનનો જથ્થો ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયાકિનારે ઉતારીને દિલ્હી ડ્રગ્સનું ડિલિવરી કરવા પહોંચ્યો હતો. ગુજરાત ATSએ બાતમીના આધારે મોહમદ યાસીનની ધરપકડ કરી છે.

એટીએસની તપાસમાં સામે આવ્યું કે, મહોમદ યાસીન અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો રહેવાસી છે. આરોપી વર્ષ 2017માં મેડિકલ વિઝા આધારે ભારતમાં આવ્યો હતો અને દિલ્હીમાં તે મેડિકલ વિઝાના આધારે આવતા નાગરિકો માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો. મોહમ્મદ યાસીનના વિઝા બે વર્ષ અગાઉ એક્સપાયર થઈ ચૂક્યા છે જેથી તેણે યુ.એન.એચ.સી.આર ના રેફ્યુજી કાર્ડ માટે પણ એપ્લાય કરેલું છે. મહોમ્મદ યાસીને તિલકનગર દિલ્હીથી 8 મહિના પહેલા એક નાઈજીરીયન નાગરિક પાસેથી ચાર કિલો હેરોઇન ખરીદ્યું હતું અને તેમાંથી તે છૂટક વેચાણ કરતો હતો અને બાકીનું 460 ગ્રામ હેરોઈન તેની પાસે હતું તે નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભોગલ વિસ્તારમાં જતો હતો. પરંતુ તે પહેલા જ એટીએસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

મહત્વનું છે કે, માર્ચ 2024માં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગથી ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદર પર આવ્યો હતો. જેમાં આરોપી ઈશા હુસૈન રાવ અને પાકિસ્તાની મુતુઝા તેમજ ઈશા રાવની પત્ની તાહિરા, દીકરો અરબાઝ, દીકરી માસુમા, જમાઈ રિઝવાનએ હેરોઇનનો જથ્થો ઓમાનથી બોટ દ્વારા ગુજરાતના વેરાવળ બંદરે મંગાવ્યો હતો. આ હેરોઇનના કેસમાં અફઘાનિસ્તાનના નાગરિક મોહમદ યાનીસનું નામ ખુલ્યું હતું. હાલ ATSએ આ મામલે તપાસ ચાલુ કરી છે.