December 25, 2024

Ahmedabad એરપોર્ટ પરથી ATSએ ચાર આતંકીઓ દબોચ્યા

અમદાવાદ: અમદાવાદ થી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી એટીએસે ચાર આતંકવાદીઓને દબોચી લીધા છે. સૂત્રો અનુસાર ચારે આતંકવાદી આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે. એટીએસએ ચારેની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર એટીએસને મોટી સફળતા મળી છે. સૂત્રો અનુસાર, સેન્ટ્રલ એજન્સી દ્વારા મળેલા ઈનપુટ બાદ અમદાવાદ એરપોર્ટ પર સતત વોચ રાખવામાં આવી રહી હતી. ગોલ્ડ સ્મગલીંગથી લઈ તમામ વાંધાજનક બાબતનું ખાસ ધ્યાન રાખી તપાસ રાખવામાં આવી હતી. તે સમયે ચાર આતંકવાદી અમદાવાદ એરપોર્ટથી પકડાયા હતા.

સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે. મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ 4 શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જો કે હાલમાં ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે. આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.

બોમ્બ બ્લાસ્ટ કરાવવાની ધમકી આપતા હતા
મહત્વનું છે કે, સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે અવારનવાર બોમ્બ બ્લાસ્ટના મેઇલ અને ધમકીભર્યા ફોન આવ્યા હતા. ત્યારે પહેલાં પણ દિલ્હી અને અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો.