December 29, 2024

જિજ્ઞેશ મેવાણીનો આક્ષેપ – જસદણ બળાત્કાર મુદ્દે ડિબેટ લાઇવ કરવા કહ્યું તો ગૃહ બહાર કાઢ્યો

ગાંધીનગરઃ વિધાનસભામાં અંતિમ દિવસે હોબાળો મચ્યો હતો. જેમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો એકબીજાની સામે આવી ગયા હતા. જસદણ મુદ્દે લાઇવ કરવા માટે જિજ્ઞેશ મેવાણીએ રજૂઆત કરી હતી અને અધ્યક્ષે તેમના પર બંધારણનું અપમાન કરવાનો આક્ષેપ કરી બહાર કાઢી મૂક્યા હોવાનું ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું છે.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યુ હતુ કે, ‘થોડાક દિવસ પહેલાં રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં 27 લોકો હોમાયા હતા. તે પીડિત પરિવારોએ ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રીને 12 પોઇન્ટ સાથે આવેદન પત્ર આપ્યું હતું. તેમાં સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત 1 કરોડ રૂપિયા વળતર આપવામાં આવે તેવી માગણી પણ કરી હતી.’

તેઓ કહે છે કે, ‘જસદણમાં એક દીકરી સાથે દુષ્કર્મની ઘટના બને છે. ત્યારે ભાજપના એક મહિલા વારંવાર મીડિયામાં આવીને નિવેદનબાજી કરે છે. તેમના પાસે જસદણમાં આ પ્રકારે બળાત્કારનો ભોગ બનેલી અન્ય 6 દીકરીની માહિતી છે. તો ગુજરાત ભાજપના આગેવાનો શા માટે કોઈ પગલાં લેતા નથી.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘અત્યાર સુધીમાં અનેક દુર્ઘટના બની છે. જેમાં કુલ 240 કરતાં વધુ લોકો હોમાઈ ગયા છે. આ પીડિતોની વેદનાને લઈને અમે ન્યાય યાત્રા યોજી હતી. તેમના પરિવારો પણ અમારી સાથે જોડાયા છે. તેઓ ગાંધીનગર પહોંચવાના છે. પરંતુ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી.’

વિવાદ વિશે વાત કરતા જિજ્ઞેશ મેવાણી કહે છે કે, ‘ગૃહ રાજ્યમંત્રી ડ્રગ્સ મુદ્દે વાતચીત કરતા હતા. ત્યારે ડિબેટને લાઇવ કરવા માટે જણાવ્યું હતું. તો મેં જસદણ મુદ્દે ડિબેટ કરી અને તેનું પણ લાઇવ કરવા માટે કહ્યું હતું. આ મારી માગણી હતી. આ મુદ્દે અધ્યક્ષે મને ગૃહમાંથી બહાર નીકળવા માટે કહ્યું હતું. ગુજરાત વિધાનસભાને ખરેખર લાઇવ કરવી જોઈએ. આ પ્રકારના પીડિતોને કેમ ન્યાય મળતો નથી. તો ગુજરાતમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે રાજ્ય સરકાર શું કરવા માગે છે.’

અધ્યક્ષે શું કહ્યું?
અધ્યક્ષે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ગૃહમાં કહ્યું હતું કે, ‘ગૃહનું માન જાળવો. બાબા સાહેબે જે બંધારણ રચ્યું છે તેનું માન-સન્માન રાખો. કાયદા અને બંધારણને માન આપવું જોઈએ.’ ત્યારે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી વેલમાં ધસી આવ્યા હતા. ત્યારે અધ્યક્ષે જીજ્ઞેશ મેવાણીને સન્માન સાથે બહાર લઈ જવા માટે સૂચના આપી હતી અને સાર્જન્ટ તેમને ગૃહની બહાર લઈ ગયા હતા. આ અંગે અધ્યક્ષે કહ્યુ હતુ કે, ‘હું આજે દુઃખી છું. જિજ્ઞેશ મેવાણીએ બાબા સાહેબે આપેલા બંધારણની અવહેલના કરી છે.’