December 26, 2024

ગુજરાત AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મંજૂર

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીઓને ધમકાવવાના કેસમાં જામીન મળી ગયા છે. નર્મદા જિલ્લાની રાજપીપળા કોર્ટે વસાવાના શરતી જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવા જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા ત્યારે ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. કેજરીવાલે રાજપીપળા જેલમાં ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. વસાવા નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય છે. આ બેઠક ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આવે છે.

શું હતો મામલો?
ચૈતર વસાવાએ વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના આરોપસર આત્મસમર્પણ કરવું પડ્યું હતું. જોકે કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ નર્મદા જિલ્લા પોલીસે વસાવાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. થોડા દિવસના રિમાન્ડ બાદ AAP ધારાસભ્યને રાજપીપળા જેલમાં મોકલી દેવાયા હતા. માહિતી અનુસાર ચૈતર વસાવાને રાજપીપળા કોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે. કોર્ટે આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે તમે ભરૂચ જિલ્લામાં પ્રવેશશો નહીં. પોલીસે આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની અને પીએની પણ ધરપકડ કરી હતી. પોલીસે ચૈતર વસાવાને ધમકી આપી આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

ઈટાલીયાએ ભાજપ પર નિશાન સાધ્યું
ગુજરાત AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. ઇટાલિયાએ કહ્યું હવે ખરાબ લોકોનો નાશ થશે. ઇટાલીયાએ કહ્યું કે ભગવાન રામ અયોધ્યા આવ્યા છે અને રાજ્યના યુવા આદિવાસી નેતાને જામીન મળી ગયા એ અમારા માટે સારી વાત છે. વધુમા કહ્યું કે, કોર્ટે તેમને ભરૂચ અને નર્મદા જિલ્લામાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ભાજપનો ડર છે. ભાજપે આ જાણી જોઈને કર્યું છે, જ્યારે તેઓ પહેલાથી જ જાણે છે કે અરવિંદ કેજરીવાલે ભરૂચમાંથી ચૈતર વસાવાની ઉમેદવારી જાહેરમાં કરી છે.