News 360
Breaking News

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન મામલે 309.25 કરોડની વસુલાત કરી

ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ખનીજ ચોરીના કેસો અંગે પૂછાયેલા પ્રશ્નનો ખાણ અને ખનીજ વિભાગ વતી જવાબ આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઇપણ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે ખનીજનું ખનન થતું હશે તેના વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે છે. ગેરકાયદે રીતે ખનીજના ખનન, વહન અને સંગ્રહના નિવારણ બાબતે રજૂઆત અંગે તપાસ હાથ ધરી નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે 17,695 કેસ કરી રૂ. 309.25 કરોડની વસુલાત કરવામાં આવી છે.

છેલ્લાં એક વર્ષમાં મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં કુલ 779 કેસમાં રૂ. 816.73 લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે. જેમાં મહિસાગર જિલ્લામાં 154 કેસ કરી રૂ. 229.93 લાખની નોટીસ ઇસ્યુ કરાઈ છે તથા પંચમહાલ જિલ્લામાં કુલ 625 કેસ કરી 575.59 લાખની નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.