ગુજરાતની 2400થી વધુ શાળામાં માત્ર એક શિક્ષક, 87 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય!

ગાંધીનગરઃ એકબાજુ ગુજરાત સરકાર સારા શિક્ષણની ગુલબાંગો પોકારી રહી છે, તો બીજી બાજુ એક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે યુડાયસ 2023-24નો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ગરવી ગુજરાતમાં અભ્યાસ કરતા 87 હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે.
87 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ શું?
દેશમાં એક શિક્ષકવાળી 1.11 લાખ શાળાઓ છે. તેમાંથી ગુજરાતની 2462 શાળાઓમાં માત્ર 1-1 જ શિક્ષક છે અને આ એક શિક્ષકવાળી શાળામાં 87 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત રાજ્યમાં 274 શાળામાં એકપણ વિદ્યાર્થી નહીં છતાં 382 શિક્ષક ત્યાં ફરજ બજાવે છે.
ગુજરાતમાં 29 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક
નવી નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક હોવો જરૂરી છે. ગુજરાતમાં 29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો જોવા મળી રહ્યો છે. 25:1 પ્રમાણે રાજ્યમાં 4.59 લાખ શિક્ષકો હોવા જોઈએ, તેની સામે 3.94 લાખ શિક્ષકો જ છે. ગુજરાતની 53,626 શાળાઓમાં 1.15 કરોડ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. 3.94 શિક્ષકોમાંથી 2.21 લાખ મહિલા શિક્ષિકાઓ છે. ગુજરાતમાં શાળા દીઠ સરેરાશ 7 શિક્ષકો છે.
મધ્ય પ્રદેશમાં સૌથી વધુ એક શિક્ષકવાળી શાળા
આ ઉપરાંત રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, દેશમાં એક શિક્ષકવાળીના ક્રમમાં ગુજરાતનો 16મો ક્રમ છે. દેશમાં સૌથી વધુ એક શિક્ષકવાળી શાળા મધ્ય પ્રદેશમાં છે. મધ્ય પ્રદેશમાં એક શિક્ષકવાળી 13,198 શાળાઓ છે. દેશની માત્ર 57 ટકા શાળાઓ પાસે કમ્પ્યુટર્સ કાર્યરત છે. દેશની 53 ટકા શાળાઓ પાસે ઈન્ટરનેટ એક્સેસ છે. 2023-24માં દેશની શાળાઓમાં 37 લાખ નોંધણી ઘટી છે.