ચાલવા… બોલવા અને શ્વાસ લેવામાં મુશ્કેલી, પુણેમાં આ ભયંકર બીમારીથી હાહાકાર; 16 લોકોની હાલત ગંભીર
Pune: મહારાષ્ટ્રના પશ્ચિમી ક્ષેત્ર પુણેમાં એક રહસ્યમય બીમારીએ બધાને ડરાવી દીધા છે. છેલ્લા એક અઠવાડિયાથી પુણેમાં આ રોગ ફેલાઈ રહ્યો છે. આ રહસ્યમય રોગનું નામ ગુઇલેન-બેરે સિન્ડ્રોમ એટલે કે જીબીએસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બીમારીને કારણે અત્યાર સુધીમાં પુણેની હોસ્પિટલમાં 70 થી વધુ લોકોને દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 15 થી વધુ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.
પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને આ ગંભીર બીમારી અંગે એક એડવાઈઝરી જારી કરી છે. મ્યુનિસિપલ કમિશનર રાજેન્દ્ર ભોંસલેએ પુણેની કમલા નહેરુ હોસ્પિટલમાં આ રોગથી પીડાતા દર્દીઓને મફત સારવાર આપવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર સરકારે પુણેની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને 2 લાખ રૂપિયા સુધીનો સરકારી તબીબી વીમો આપવાની પણ જાહેરાત કરી છે.
આ પણ વાંચો: જયેશ રાદડિયાની વ્હારે લાલજી પટેલ… કહ્યું વર્ક લોડના કારણે જયેશભાઈએ ટપોરી શબ્દ વાપર્યો હોઈ શકે
70 થી વધુ લોકો બીમાર
પુણેમાં આ રોગથી 70 થી વધુ લોકો બીમાર હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 12 થી વધુ લોકો વેન્ટિલેટર પર છે. આ મામલો ગંભીર છે કારણ કે પુણેની આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ સારવાર માટે પુણે આવી રહ્યા છે. તે કેમ્પાયલોબેક્ટર જેજુની બેક્ટેરિયા સાથે જોડાયેલું હોવાની શંકા છે, જે પાણી અથવા ખોરાક દ્વારા ફેલાય છે.
નિષ્ણાતો શું કહે છે?
નિષ્ણાતો કહે છે કે આ એક દુર્લભ પણ ગંભીર ન્યુરોલોજીકલ રોગ છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ભૂલથી પેરિફેરલ નર્વસ સિસ્ટમ પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. આના કારણે દર્દીના સ્નાયુઓ નબળા પડવા લાગે છે. શરીર પર ઝણઝણાટની જેવું થાય છે અને લકવો જેવી સ્થિતિ પણ થઈ શકે છે. તેમનું કહેવું છે કે આ રોગ પેટના ચેપથી શરૂ થાય છે અને સમગ્ર ચેતાતંત્રને કબજે કરે છે.