રાજ્યમાં ધોરણ 10-12 બોર્ડના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
અમદાવાદઃ આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં ધોરણ 10ના 981 કેન્દ્રો અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા આપવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.
રાજ્યભરમાં 9.17 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં 1.31 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.89 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ સાથે જ આગામી 31મી માર્ચે ગુજકેટની પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1.37 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપવાના છે.
રાજ્યના 34 ઝોનના 34 કેન્દ્રો પર 31 માર્ચે સવારે 10થી 4 દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે. રાજ્યમાં 16.76 લાખ વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપશે. અમદાવાદ જિલ્લામાં કુલ 1.79 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. સાબરમતી જેલમાં ધોરણ 10ના 27 અને ધોરણ 12ના 28 વિદ્યાથીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષાકેન્દ્ર પર પહોંચે તે માટે STના વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. ગેરરીતિ કરનારા દોષિતને 3 વર્ષથી 5 વર્ષની સજા અને 2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષા સમયે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનાર સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે. PATA એપ દ્વારા પ્રશ્નપત્રની પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે ત્યાં સુધી ટ્રેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.