December 27, 2024

દેવભૂમિ દેવળીયા માર્ગ પર સિંહોની મસ્તી થઈ મોબાઈલમાં કેદ

દશરથ રાઠોડ, અમરેલી: એશિયાઈ સિંહો માટેના એકમાત્ર ઘર એવા ગીર અભયારણ્યમાં અવારનવાર સિંહો માનવવસ્તીમાં જોવા મળતા હોય છે. ત્યારે, ફરી એકવાર સિંહોના ટોળાં રસ્તા પર મસ્તી કરતાં જોવા મળ્યા છે. અમરેલીના દેવભૂમિ દેવળીયા માર્ગ પર સિંહોનું ટોળું જોવા મળ્યું હતું. સિંહોનું ટોળું પોતાની જ મસ્તીમાં મોજ કરતું મોબાઈલમાં કેદ થયું હતું. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

અમરેલીથી દેવભૂમિ દેવળીયા જવાના માર્ગ પર 3 સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે માનવવસ્તીમાં અને જાહેર રસ્તા પર રાત્રિના સમયે જ લટાર મારતા સિંહો ધોળા દિવસે રસ્તા પર જોવા મળ્યા હતા. જેને લઈને રસ્તેથી પસાર થઈ રહેલા રાહદારીઓ દ્વારા 3 સિંહોની લટાર કેમેરામાં કેદ કરવામાં આવી હતી.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદી વાતાવરણ વચ્ચે માર્ગ પર સિંહો મસ્તી કરી રહ્યા છે. વરસાદી વાતાવરણ વચ્ચે વાહનચાલકે સિંહોની મસ્તી મોબાઈલમાં કેદ કરી લીધી હતી. દેવભૂમિ દેવળીયાના સરપંચ નાથાલાલ સુખડીયાએ સિંહોની મસ્તી મોબાઈલમાં કેદ કરી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.